
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી મુંબઈ આવનારી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બના સમાચાર પછી રેલવેની સાથે પોલીસ તંત્ર આજે સાબદું થઈ ગયું હતું. ટ્રેનમાં બોમ્બ હોવાના અહેવાલને કારણે પ્રવાસીઓમાં ડરનો માહોલ ઊભો થયો હતો. સ્થાનિક પોલીસની મદદથી ટ્રેનને ભદોહી રેલવે સ્ટેશન નજીક રોકવામાં આવી હતી. પ્રવાસીઓને ટ્રેનમાંથી ઉતારીને તપાસ કરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક તબક્કે સંદીગ્ધ વસ્તુ મળી નહોતી.
રેલવે કંટ્રોલ રુમના એક લેન્ડલાઈન પરથી કોલ કરવામાં આવ્યો હતો કે ગોરખપુર-એલટીટી એક્સપ્રેસ (ટ્રેન નંબર 15018) ટ્રેનમાં બોમ્બ રાખ્યો છે. કોલ આવ્યા પછી સુરક્ષા એજન્સીને પણ એલર્ટ કરવામાં આવી છે.
ટ્રેન ભદોહી પહોંચ્યા પછી પ્રવાસીઓને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા અને તમામને પ્લેટફોર્મ પર રોક્યા હતા. એના પછી રેલવે પોલીસ અને સરકારી પોલીસે દરેક કોચમાં તપાસ હાથ ધરી હતી. ટ્રેનના કોચ અને શૌચાલયમાં પણ તપાસ કરવામાં આવી હતી. ઘટના પછી એડિશનલ ફોર્સને તહેનાત કરવામાં આવી હતી. પ્રવાસીઓને બોમ્બ હોવાની જાણકારી મળ્યા પછી ડરના માર્યા અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. પોલીસે પરિસ્થિતિ નિયંત્રણ લઈને કોલરની તપાસ હાથ ધરી હતી.
અહીં એ જણાવવાનું કે અગાઉ 16મી નવેમ્બરના દિલ્હીથી બિહાર જઈ રહેલી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરનારા પ્રવાસી પાસે બોમ્બ હોવાની માહિતી પછી અલીગઢ સ્ટેશને ટ્રેનને રોકીને સંદીગ્ધ વ્યક્તિને ઉતારવામાં આવ્યો હતો. જોકે, ટ્રેનમાંથી સંદીગ્ધ વ્યક્તિ પાસેથી કોલ્ડ ડ્રિન્ક અને મિઠાઈના ડબ્બા મળ્યા હતા. ચાર કલાકની પૂછપરછ પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…શ્રીધામ એક્સપ્રેસને બોમ્બથી ઉડાવવાની ધમકી, મથુરા જંકશન પર બોમ્બ સ્ક્વોડ તૈનાત…



