ક્યારે અટકશે આ સિલસિલો! આજે ફરી 100 વિમાનોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી…
Bomb Hoax Threat: સરકાર અને ડીજીસીએ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં પણ વિમાનમાં બોમ્બની ધમકીઓ સતત મળી રહી છે. સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ, મંગળવારે પણ વિવિધ ભારતીય એરલાઈનો દ્વારા સંચાલિત 100થી વધુ ઉડાનોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી.
આ પણ વાંચો : ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનારા સામે સરકારે કરી લાલ આંખ, મેટા અને એક્સની માંગી મદદ
સૂત્રોએ દાવો કર્યો કે, મંગળવારે એર ઈન્ડિયાની આશરે 36 ઉડાનો અને ઈન્ડિગોની લગભગ 35 ઉડાનોને ધમકી મળી હતી. જ્યારે વિસ્તારાની 32 ઉડાનને પણ બોમ્બની ધમકી મળી હતી. છેલ્લા 16 દિવસમાં 510થી વધારે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને ધમકી મળી છે. જોકે તપાસમાં આ તમામ ધમકી ફેક નીકળી હતી અને મોટાભાગની ધમકી સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી હતી.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું, તેમની મોટાભાગની ઉડાનોને બોમ્બની ધમકી સોશિયલ મીડિયા પર મળી હતી. ધમકી મળ્યા બાદ નિર્ધારીત પ્રોટોકોલ અંતર્ગત સંબંધિત અધિકારીઓ અને વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દિશાનિર્દેશો અનુસાર સુરક્ષા સંબંધી તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ફ્લાઇટમાં ફેક કોલ્સ મુદ્દે IT મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માંગી મદદ…
અધિકારીએ જણાવ્યું, ત્રણેય એરલાઇન્સને એક્સ હેન્ડલ પર બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે એક અજાણ્યા ઈસમ સામે મામલો દાખલ કર્યો હતો. તેમણે જણાવ્યું, ઈન્ડિગો, એર ઈન્ડિયા અને વિસ્તારાને સોમવારે ધમકી મળી હતી. જોકે તે અફવા નીકળી હતી. એરલાઈન્સને બોમ્બથી ઉડાવવાની ધમકીના મામલામાં મુંબઈ પોલીસે ઓક્ટોબરમાં 14 એફઆઈઆર નોંધી હતી.