બોલો, બે પત્ની ધરાવતા સાત ઉમેદવાર છે વિધાનસભાની ચૂંટણીના જંગમાં

જયપુર: દેશના ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ નાની મોટી પાર્ટીઓના ઉમેદવારો અત્યારે લાઈમલાઈટમાં છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા પછી રસપ્રદ માહિતી જાણવા મળી છે, જેમાં બબ્બે પત્નીવાળા સાત ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. મળતી માહિતી અનુસાર મેવાડ-વાગડની 28માંથી છ બેઠક પર સાત વિધાનસભ્ય ઉમેદવારોએ બે લગ્ન કર્યા છે અને તેમની બે પત્ની છે. પ્રતાપગઢ સીટ પરથી લડનારા ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો પાસે બે-બે પત્ની હોવાની વાત જાણવા મળી છે.
ઉમેદવારોએ આપેલા સોગંદનામામાં એવી વાત પણ સામે આવી છે કે એવા ચૂંટણીમાં અનેક એવા ઉમેદવારો પણ છે જેમને પાંચથી વધુ બાળક છે. આ યાદીમાં ઝાડોલથી કોંગ્રેસના હીરાલાલ ડારંગીને સાત અને ભાજપના બાબુલાલ ખરાડીને પાંચ બાળક તો ખેરવાડાથી ભાજપના નાનાલાલ અહારીને છ બાળક છે.
બે પત્નીઓ વાળા ઉમેદવારોમાં ઉદયપુરની વલ્લભનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઉદયલાલ ડાંગીને બે પત્નીઓ છે અને ખેરવાડાથી કોંગ્રેસના ઉમેદવાર દયારામ પરમાર અને ઝડોલથી કોંગ્રેસના ઉમેદવાર હીરાલાલ ડારંગીને પણ બે-બે પત્નીઓ છે. પ્રતાપગઢમાં ભાજપના હેમંત મીણા અને કોંગ્રેસના રામલાલ મીણાએ પણ ઉમેદવારી પત્રો સાથે નામાંકન પત્રમાં બે પત્નીઓ હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે તેમ જ બાંસવાડા જિલ્લાના ગઢીથી ભાજપના ઉમેદવાર કૈલાશ ચંદ મીના અને ઘાટોલથી કોંગ્રેસના ઉમેદવાર નાનાલાલ નિનામાને પણ બે પત્નીઓ છે. ઉદયપુરના સાંસદ અર્જુનલાલ મીણાને પણ બે પત્નીઓ છે.
કરવા ચોથ દરમિયાન અર્જુનલાલની બંને પત્નીઓએ તેમનો ચહેરો જોઈ ઉપવાસ તડયો હતો જેની તસવીર વાઇરલ થઈ થતાં તે ચર્ચાનો વિષય બની હતી. સાંસદની અર્જુનલાલની બંને પત્ની મીનાક્ષી અને રાજકુમારી બહેનો છે અને તેઓ સાથે મળીને ખુશીથી રહતા હોવાનું અર્જુનલાલે જણાવ્યુ હતું.