બોફોર્સ કૌભાંડ કેસ એટલે રાજકીય તથા કાનૂની સાપ-સીડીનો ખેલ

પ્રફુલ શાહ
ભારતીય રાજકારણ અને અખબારોમાં બોફોર્સકાંડ એવું જબરદસ્ત ગાજ્યું-ચગ્યું કે ઘણાં વાતચીતમાં એકમેકને બોર્ફોર્સિયા કહેવા માંડ્યા હતા.
બોફોર્સ કંપની પરથી કેન્દ્ર સરકારે પ્રતિબંધ ભલે હટાવી લીધો, પણ આનાથી કંઈ કૌભાંડ પર થોડો કાયમી પડદો પડી જાય કે એને સાવ ભૂલાવી દેવાઈ. જો કૌભાંડમાં રાજકીય રીતે વાપરી શકાય એવો ઘણો રાજકીય દારૂગોળો હતો. 1999ની 22મી ઑક્ટોબરે અટલબિહારી વાજપેયીની સરકાર વખતે સી.બી.આઈ.એ આ કૌભાંડમાં પહેલું આરોપનામું દાખલ કર્યું. આમાં મુખ્ય આરોપી તરીકે નામ હતા રાજીવ ગાંધી, વિન ચઢ્ઢા, ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ એસ. કે. ભટનાગર, ઓટ્ટાવિયો કોટ્રોચી અને અન્યોના નામ આરોપી તરીકે હતા. આ બાબત અખબારોની હેડલાઈન બને એ સ્વાભાવિક છે.
અદાલતમાં કેસની સુનાવણી ચાલતી હતી એની વચ્ચે 2001માં બે આરોપી એસ. કે. ભટનાગર અને વિન ચઢ્ઢાનો કાયમ માટે છુટકારો થઈ ગયો. નિધનને લીધે તેઓ કાનૂની શિકંજામાંથી આઝાદ થઈ ગયા, પરંતુ 2002ના જૂનમાં કેસમાં નવો વળાંક આવ્યો. દિલ્હી હાઈ કોર્ટે આ ખટલામાં અત્યાર સુધી બધી કાર્યવાહીને રદબાતલ કરી નાખી. આ ચુકાદાને 2003ની સાતમી જુલાઈએ સુપ્રીમ કોર્ટે ફેરવી તોળ્યો.
2004માં રાજકારણે કરવટ બદલી. લોકસભાની ચૂંટણીમાં જીતીને કૉંગ્રેસ સત્તા પર આવી. 2004ની પાંચમી ફેબ્રુઆરીએ દિલ્હીની વડી અદાલતે રાજીવ ગાંધી અને અન્યો સામેના ભ્રષ્ટાચારના બધા આરોપ રદ કર્યા. 2005ની 31મી મેએ દિલ્હી હાઈ કોર્ટે જ બ્રિટનવાસી વેપારીબધું ત્રિપુટી શ્રીચંદ હિન્દુજા, ગોપીચંદ હિન્દુજા અને પ્રકાશ હિન્દુજા સામેના આરોપો ફગાવી દીધા.
આ પણ વાંચો: બોફર્સ તોપ કટકીએ હચમચાવી નાખી કેન્દ્રની કૉંગ્રેસ સરકારને
કાનૂની આટાપાટા આમઆદમીની પહોંચની બહાર હોય. આવામાં 2005ના ડિસેમ્બરમાં ભારત સરકાર અને સી.બી.આઈ. વતી વર્તતા ભારતના એડિશનલ સોલિસિટર જનરલે બ્રિટિશ સરકારને વિનંતી કરી કે ઓટ્ટોવિયો ક્વોટ્રોચીના સ્થગિત કરાયેલ બે બૅન્ક ખાતા અનફ્રિજ કરી નાખો. કારણ શું? એ કે બોફોર્સની કટકીની રકમ એ ખાતામાં જમા થયાના પર્યાપ્ત પુરાવા મળ્યા નથી. આ બે ખાતામાં 30 લાખ અને 10 યુરો ડૉલર જમા હતા.
લાગ્યું કે ઓટ્ટોવિયો ક્વોટ્રચી બચી ગયો, પરંતુ આ રાહતને પગલે નવું નિયંત્રણ આવ્યું. જે ભરેલી થાળી સામે રાખવાની છૂટ પણ જમવાની મનાઈ જેવી હતી. 2006ની 16મી જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે ભારત સરકારને નિર્દેશ આપ્યો કે લંડનની બે બૅન્કના ખાતામાંથી ક્વોટ્રોચી એક પણ યુરો ડૉલર ઉપાડી ન શકે એવી વ્યવસ્થા કરો. પરંતુ 2006ની 23મી જાન્યુઆરીએ સી.બી.આઈ.એ અદાલતને જાણકારી આપી કે બંને આરોપી બૅન્કમાંથી 21 કરોડ (46 લાખ અમેરિકન ડૉલર) જેટલી રકમ ઉપાડી ચુક્યા છે.
‘યે ક્યાં હો રહા હૈ’ની અવઢવમાં આમઆદમી માથું કે દાઢી ખંજવાળતા આ સમાચારો વાંચતા હતા. પોતપોતાની જાણકારી અને સમજ પ્રમાણે તુક્કાબાજી કરી રહ્યા હતા. આ રાજકીય-કાનૂની સાપસીડીની રમતમાં નવા-નવા પાસાં પડતા હતા. 2006માં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં સી.બી.આઈ.એ દાવો કર્યો હતો કે અમે ઓટ્ટોવિયો ક્વાટ્રોચીના પ્રત્યાર્પણના આદેશ માટે પ્રયાસરત છીએ. એટલું જ નહીં, સી.બી.આઈ.ની વિનંતીને માન આપીને ઈન્ટરપોલ તરફથી ક્વોટ્રોચીની ધરપકડ માટે રેડ-કોર્નર નોટિસ પણ ક્યારની બહાર પડેલી છે.
આ પણ વાંચો: બોફોર્સ કૌભાંડનું ભૂત ફરી ધુણશે? ભારત સરકારે અમેરિકા પાસેથી માહિતી માંગી, થઇ શકે છે મોટા ખુલાસા…
આ ટેક્નિકલ શબ્દોમાં ઝાઝું ન સમજતા ભારતીય પ્રજાજનોને 2007ની છઠ્ઠી ફેબ્રુઆરીએ બનેલી ઘટના એકદમ સમજાઈ ગઈ ને શીરાની જેમ ગળે ઊતરી ગઈ. વાવડ એ આવ્યા કે ક્વોટ્રોચીને આર્જેન્ટિનામાં છઠ્ઠી ફેબ્રુઆરીએ અટકાયતમાં લેવાયો હતો. પરંતુ સી.બી.આઈ. તરફ સમાચાર જાહેર કરાયા છેક 23મી ફેબ્રુઆરીએ. પરંતુ આર્જેન્ટિના પોલીસે ક્વોટ્રોચીને છોડી મૂક્યો! પરંતુ એનો પાસપોર્ટ જપ્ત કરી લીધો કે જેથી એ વિમાન પ્રવાસ કરી ન શકે. આનો અર્થ સમજવા જેવો છે.
એ સમયે ભારત-આર્જેન્ટિના વચ્ચે પ્રત્યાર્પણ સંધિ થયેલી નહોતી. એનો અર્થ એ થયો કે આર્જેન્ટિના ભારતના આરોપીને સોંપી દેવા માટે બંધાયેલું નહોતું. આને યોગાનુયોગ સમજવો કે પછી ખેલ પડી ગયો એમ ધારી લેવાનું. ભારત સરકારે તો આર્જેન્ટિનાની સુપ્રીમ કોર્ટમાં ક્વોટ્રોચીનો કબજો મેળવવા માટે કેસ કર્યો અને હારનું મોઢું જોવું પડ્યું. આર્જેન્ટિનાની કોર્ટમાં ભારત વતી ક્વોટ્રોચીની કયા મુદ્દા પર ધરપકડ કરવાની એનો કોઈ આદેશ રજૂ કરી ન શકાયો. ભારતે આ આદેશ વિરુદ્ધ અપીલ ન કરી. કારણ કે આર્જેન્ટિનાની કોર્ટના ચુકાદાનો અંગ્રેજી અનુવાદ મેળવવામાં વિલંબ થયો.
બોફોર્સકાંડની આ તવારીખમાં માત્ર ઘટનાઓ જાણવા અને વાંચવા સાથે બીટવિન ધ લાઈન્સ પણ વાંચો. આટલા મોટો રાષ્ટ્રીય મહત્ત્વના કેસમાં કેવું-કેવું થઈ રહ્યું હતું એ છાનું નહોતું. શા માટે થઈ રહ્યું હતું એનો ગણગણાટ પણ નાનોસુનો થતો નહોતો. એ કોણ બોલ્યું કે સમરથ કો નહીં દોષ ગુંસાઈ.
ખેર, 2011ની ચોથી માર્ચે દિલ્હીની કોર્ટે ક્વોટ્રોચીને કેસમાં કામચલાઉ રાહત આપી. શા વાસ્તે? એની વિરુદ્ધ પૂરતા પુરાવાના અભાવમાં? અને 2013ની 12મી જુલાઈએ મિલાનમાં હાર્ટ અટેકથી ક્વોટ્રોચીનું રામ નામ સત્ય હૈ થઈ ગયું.
હવે બચ્યું કોણ કે જેની સામે કેસ ચલાવાય? અનેક કાનૂની પડકાર અને વિલંબ વચ્ચે બોફોર્સ કૌભાંડ કેસ ચાલ્યો હતો. આ કટકીકાંડને લીધે રાજીવ ગાંધીની સરકાર અને કૉંગ્રેસ પક્ષની આબરૂની રેવડી દાણાદાણ થઈ ગઈ.
2013માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘અનનોન ફેસેટસ ઓફ રાજીવ ગાંધી, જ્યોતિ બાસુ ઍન્ડ ઈન્દ્રજીત ગુપ્તા’માં સી.બી.આઈ.ના ભૂતપૂર્વ ડિરેક્ટર એ. પી. મુખરજીએ લખ્યું હતું કે રાજીવ ગાંધી આ સોદાની કટકીનો ઉપયોગ કૉંગ્રેસના લાભાર્થે વાપરવા માગતા હતા. જો કે આ કાંડની તપાસ કરનારા સ્વીડીશ પોલીસના ભૂતપૂર્વ વડા સ્ટેન લિન્ડસ્ટોર્મે રાજીવ ગાંધીએ કોઈ રકમ મેળવ્યાનું બહાર ન આવ્યાનો દાવો કર્યો હતો. જો કે કટકી કોણે લીધી એ જાણતા હોવાનો અને તેમની સામે પગલાં ન ભર્યાનો આરોપ તેમણે રાજીવ ગાંધી પર મૂક્યો હતો.
બોફોર્સની દલાલીમાં રાજીવ ગાંધી સરકાર, કૉંગ્રેસ પક્ષ અને સી.બી.આઈ.ની તપાસ પદ્ધતિને માથે ખૂબ માછલા ધોવાયા હતા. પણ એની દરકાર છે કોને? અને બોફોર્સની કટકીની રકમ ત્યાર પછીના કૌભાંડની તોતિંગ રકમ સામે સાવ ચણામમરા જેવી લાગે છે.
(સંપૂર્ણ)



