ગુમ થયેલા જમ્મુના યુવકનો મૃતદેહ પાકિસ્તાનમાં મળ્યો, પરિવારે પીએમ મોદી પાસે કરી આવી માંગણી
જમ્મુ: ગયા મહિને જમ્મુ(Jammu)માં ચિનાબ નદીમાં કૂદીને એક યુવકે આત્મહત્યા(Youth jumped into Chenab river) કરી લીધી હતી, એક મહિના બાદ જાણવા મળ્યું કે તેનો મૃતદેહ પાકિસ્તાન(Pakistan)માં મળી આવ્યો હતો. મૃતક યુવકના પરિવારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહને પરત લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ અરજી કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ જમ્મુના અખનૂર સેક્ટરના એક સરહદી ગામનો રહેવાસી હર્ષ નાગોત્રા 11 જૂને ગુમ થયો હતો અને તેની મોટરસાઇકલ નદીના કિનારે મળી આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે નાગોત્રાના પરિવાર દ્વારા બીજા દિવસે ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે ખાનગી ટેલિકોમ્યુનિકેશન કંપનીમાં કામ કરતો 22 વર્ષીય હર્ષ ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનમાં ₹80,000 હારી ગયો હતો, બાદમાં ટે ચિનાબ નદીમાં કૂદી પડ્યો હતો.
મૃતકના માતાપિતાએ દીકરાનું સિમ કાર્ડ ફરીથી એક્ટીવેટ કરતા પાકિસ્તાની અધિકારી તરફથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો, જેમાં તેના મૃત્યુની જાણકરી આપવામાં આવી હતી.
મૃતકના પિતા સુભાષ શર્માએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ વિભાગમાં પોસ્ટમોર્ટમ કરવાનો દાવો કરનારા પાકિસ્તાની અધિકારીના વોટ્સએપ મેસેજે તેમને જાણ કરી હતી કે 13 જૂને પંજાબ પ્રાંતના સિયાલકોટમાં એક નહેરમાંથી લાશ મળી આવી હતી.
પાકિસ્તાની અધિકારીએ તેમને જાણ કરી હતી કે લાશને દફનાવી દેવામાં આવી છે. તેણે વ્હોટ્સએપ દ્વારા શોકગ્રસ્ત પરિવારને આઇડેન્ટિટી કાર્ડ પણ મોકલ્યું હતું, જેના દ્વારા પુષ્ટિ થઇ કે સિયાલકોટમાં પ્રાપ્ત થયેલો મૃતદેહ હર્ષનો જ છે.
મૃતક યુવકના પિતાએ કહ્યું અમે અમારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરીએ છીએ કે અમારા દીકરાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરત લાવવામાં મદદ કરો. અમે અમારા ધર્મ પ્રમાણે તેના અંતિમ સંસ્કાર કરવા માંગીએ છીએ.
એક સંબંધીએ જણાવ્યું કે તેઓ આ મામલે વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયને પહેલેથી જ પત્ર લખી ચૂક્યા છે.
Also Read –