રશિયામાં ડૂબી ગયેલા ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા

જળગાંવ: રશિયાની વોલકોવ નદીમાં ડૂબી ગયેલા ચારેચાર ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા હોવાની જાણકારી રશિયન સત્તાધીશોએ આપી હોવાનું મહારાષ્ટ્ર સરકારના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. જળગાંવ જિલ્લાના કલેકટર આયુષ પ્રસાદે જણાવ્યું હતું કે ‘4 જૂને થયેલી દુર્ઘટના બાદ બે જ દિવસમાં બે મૃતદેહ હાથ લાગ્યા હતા. શનિવારે સવારે અન્ય બે વિદ્યાર્થીના મૃતદેહ પણ મળી આવ્યા હોવાનું રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું. મૃતદેહ મુંબઈ હવાઈ માર્ગે રવાના કરવામાં આવ્યા છે અને ત્યારબાદ જળગાંવ જિલ્લાના તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવશે.’
હર્ષલ અનંતરાવ દેસાળે, જીશાન અશ્પક પિંજારી, જીયા ફિરોજ પિંજારી અને મલિક મોહમ્મદ યાકુબ ડૂબી ગયા હતા જ્યારે નિશા ભૂપેશ સોનાવણે નામનો પાંચમો વિદ્યાર્થી બચી ગયો હતો. બધા વિદ્યાર્થીઓ 18 – 20 વર્ષની ઉંમરના હતા. તેઓ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. લટાર મારવા નીકળેલા વિધાર્થીઓ પાણીમાં ઉતર્યા હોવાની જાણકારી યુનવર્સીટી અધિકારીએ આપી હતી. પરિવારના એક સભ્યએ આપેલી માહિતી અનુસાર ચાર વિદ્યાર્થીઓ ડૂબી ગયા ત્યારે જીશાન વીડિયો કોલ પર માતાપિતા સાથે વાત કરી રહ્યો હતો. જીશાનના માતા પિતા અને પરિવારના અન્ય સભ્યોએ વિધાર્થીઓને પાણીમાંથી બહાર નીકળવા આજીજી કરી હતી, પણ પાણીના વહેણમાં તેઓ તણાઈ ગયા હતા.
Also Read –