હરિયાણાની હોટેલના રૂમમાંથી મળ્યા પાંચ લોકોનાં મૃતદેહ, કારણ જાણીને ચોંકી જશો!

કુરૂક્ષેત્ર: હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં હોટેલના એક રુમમાં એકસાથે પાંચ લોકોના મૃતદેહ મળવાથી ખળભળાટ મચી ગયો છે. મૃતક લોકો ઉત્તર પ્રદેશના રહેવાસી છે, જેમાંથી અમુકની ઓળખ થઈ છે, પરંતુ એકસાથે પાંચ લોકોના મૃતદેહ મળવાથી પોલીસ પ્રશાસન પણ હરકતમાં આવી ગયું છે.
બંધ રૂમમાં કેવી રીતે થયા 5 લોકોનાં મોત
હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતેની એક હોટેલમાં સોમવારે રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરના 5 લોકો રોકાયા હતા. જે પૈકી ચાર મજૂર તથા એક તેમનો કોન્ટ્રાક્ટર હતો, પરંતુ આજે સવારે તેઓ રૂમની બહાર આવ્યા નહોતા, જેથી હોટેલના કર્મચારીઓએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ જવાબ આવ્યો નહોતો.
હોટેલના મેનેજરે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે હોટલ પહોંચીને રૂમનો દરવાજો ખોલ્યો હતો, જ્યાં પાંચેય વ્યક્તિઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેમને પાછળથી મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
હોટેલના બંધ રૂમમાં આ પાંચેય વ્યક્તિના મૃત્યુ કેવી રીતે થયા? આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. હોટેલના રૂમની તપાસમાં પોલીસને એક ચિમની મળી આવી હતી, જેમાં સળગેલા કોલસા પણ હતા. તેથી પાંચેય લોકોનું ચિમનીના ધુમાડામાંથી નીકળતા ઝેરી ગેસના કારણે શ્વાસ રૂંધાવવાથી મોત થયા હોવાનું પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કુરૂક્ષેત્ર જેવો એક મામલો ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાં પણ સામે આવ્યો છે. કંટાબણિયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા એક ઘરમાં પણ એક બંધ ઘરમાં ત્રણ લોકોના મોત થયા હતા. અસનબેનિયા કોલોની સાહીના બંધ ઘરમાં મા અને બે દીકરા રાત્રે કોલસાની ચિમની સળગવીને સૂઈ ગયા હતા. જેના ધુમડાના કારણે ત્રણેય જણનો શ્વાસ રૂંધાયો હતો. પરિણામે તેઓનું મૃત્યુ નિપજ્યા હતા.



