મુઝફ્ફરપુરની બાગમતી નદીમાં હોડી પલટી, 12થી વધુ બાળકો લાપતા

પટનાઃ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં બાગમતી નદીમાં શાળાના બાળકોથી ભરેલી હોડી પલટી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બોટમાં 30થી વધુ બાળકો સવાર હતા. આ અકસ્માત ગાયઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બેનિયાબાદ ઓપીમાં થયો હતો. બાળકોને નદીમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 20 બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે અને 12થી વધુ બાળકો હજુ પણ ગુમ છે. તેમની શોધખોળ ચાલુ છે.
આ અકસ્માતમાં કેટલા બાળકો ડૂબી ગયા તેની ચોક્કસ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. જો કે, ઘણા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, 15 થી 20 જેટલા બાળકો લાપતા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે તમામ બાળકો બોટ દ્વારા નદી પાર કરી રહ્યા હતા. અકસ્માત બાદ બોટમાં સવાર બાળકોમાં ચીસાચીસ મચી ગઇ હતો અને બાળકો ડૂબવા લાગ્યા હતા. કેટલાક લોકોનું કહેવું છે કે જોરદાર કરંટને કારણે બોટે તેનું સંતુલન ગુમાવી દીધું હતું અને તે નદીમાં પલટી ગઈ હતી.
બોટ દુર્ઘટનાના સમાચાર આ વિસ્તારમાં પહોંચતા જ અહી અરેરાટી વ્યાપી ગઈ હતી. ગામમાં અરાજકતાનો માહોલ છે. અકસ્માત બાદ કેટલાક બાળકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના અંગેની માહિતી મળ્યા પછી, બેનિયાબાદ ઓપી પોલીસ અને એસડીએફઆરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. હાલમાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે…