ફરી બ્લુ ડ્રમ મર્ડરઃ આ વખતે મિત્રએ મહિલા મિત્રને સાવ નજીવી વાતે મારી નાખી | મુંબઈ સમાચાર
નેશનલ

ફરી બ્લુ ડ્રમ મર્ડરઃ આ વખતે મિત્રએ મહિલા મિત્રને સાવ નજીવી વાતે મારી નાખી

ઈન્દોરઃ દેશમાં જે ગુનાખોરીની ઘટનાઓ બની રહી છે, તે માત્ર એકાદ બે જણાની હત્યાના કેસ નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો સમાજમાં વધતી જતી ગુનાખોરી અને ખાસ કરીને નજીવી બાબતે કોઈનો જીવ લેવાની ઘટનાઓ વધતી જાય છે.

થોડા મહિનાઓ પહેલા ઉત્તર પ્રદેશના મેરઠની મુસ્કાન નામની મહિલાએ પ્રેમી સાથે મળી પતિના ટૂકડા કરી તેને બ્લુ ડ્રમમાં સિમેન્ટથી જડી દીધો હતો. આ ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા હતા. હવે ફરી આવા પાણી ભરેલા બ્લુ ડ્રમમાં મહિલા મિત્રને ડુબાડીને મારી નાખવાની ઘટના બહાર આવી છે.

સાવ નજીવી બાબતે કરી હત્યા

આ ઘટના મધ્ય પ્રદેશના દિવાસ જિલ્લાની છે. અહીં રહેતી એક લક્ષિતા ચૌધરી નામની યુવતી ત્રણ દિવસથી લાપત્તા હતી. પરિવારે ઘણી શોધખોળ કરી છતાં મળી ન હતી. પરિવારે યુવતીના મિત્રને પૂછ્યું હતું, પરંતુ મિત્રએ પણ યોગ્ય જવાબ આપ્યો ન હતો.

આ પણ વાંચો: ફરી બ્લ્યુ ડ્રમમાં પુરાયો એક પતિઃ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મારી નાખ્યો

29મી સપ્ટેમ્બર યુવતી ઘરેથી નીકળી હતી, પંરતુ પાછી આવી નહીં. યુવતીની મનોજ ચૌહાણ નામના યુવક સાથે મિત્રતા હતી, જોકે આ પ્રેમસંબંધ હતો કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જોકે અચાનક 1લી ઑક્ટોબરે યુવતીના પરિવારજનોને યુવકનો મેસેજ આવ્યો કે તેણે જ યુવતીને મારી છે અને લાશ તેના ઘરમાં જ છે.

પોલીસે તેનું ઘર તોડ્યા બાદ જોયું તો પાણીના ડ્રમ પાસે યુવતીની કોહવાયેલી લાશ મળી હતી. તેનાં હાથ-પગ બાંધી અહીં ભરેલા પાણીના ડ્રમમાં તેને ડૂબાડીને મારી નાખવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. યુવતીની લાશ કોહવાયેલી હતી અને તેણે નવરાત્રીનો ડ્રેસ પહેર્યો હતો.

ત્યારબાદ અચાનક મનોજે પોતે આવીને સિટી પોલીસમાં સરન્ડર કરી દીધું હતું. મનોજે પૂછતાછ સમયે માત્ર એટલું જણાવ્યું હતું કે યુવતી અન્ય કોઈ યુવાન સાથે મિત્રતા ધરાવતી હતી, તેથી ગુસ્સામાં તેણે તેની હત્યા કરી નાખી.

જોકે યુવતીની પેરેન્ટ્સના જણાવ્યા અનુસાર તેમની દીકરીની ખૂબ ઘાતકી રીતે કારણ વિના હત્યા કરવામાં આવી છે અને મનોજને સખત સજાની માગણી પણ તેમણે કરી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button