Black day for children: બદાયું બાદ પ્રયાગરાજમાં નણંદે ભાભીના બે દીકરાને મારી નાખ્યા
પ્રયાગરાજ: આજની સવાર ભયાનક ઘટનાના સમાચાર સાથે થઈ હતી જેમાં ઉતર પ્રદેશના બદાયુંમાં પડોશીએ બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. હૃદય કંપાવનારી આ ઘટનાના અમુક કલાકો બાદ ફરી આવી એક ઘટના બહાર આવી છે જે પ્રયાગરાજમાં બની છે. અહીં માનસિક રીતે અસંતુલિત મહિલાએ ભાભી સાથે થયેલા ઝગડા બાદ તેના બે સંતાનોને માથામાં લાકડાથી ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યા છે.
મેજા પોલીસ સ્ટેશન વિસ્તારના હરગઢ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ભાભી સાથેના ઝઘડાથી નારાજ મહિલાએ તેના ભાઈના બે પુત્રોને માર માર્યો હતો. મહિલા માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. તેણે બંને બાળકોને માથાના ભાગે લાકડાથી માર માર્યો હતો. જેના કારણે બંનેને લોહી વહેવા લાગ્યું હતું. હોસ્પિટલમાં બંનેના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. આ ઘટના મંગળવારે મોડી સાંજે બની હોવાનું કહેવાય છે. બાળકોના મોતથી ખબર થોડા સમય પહેલા બહાર આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.
હરગઢ પોલીસ સ્ટેશન મેજાના હરગઢ ગામમાં રહેતા શંકરના પુત્ર સંજય, સંજયના બે બાળકો લકી (5) અને અભિ (3) વર્ષના મૃત્યુ પામ્યા હતા. સંજયની બહેન પૂજા (35)એ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પૂજા લગભગ 10 વર્ષથી માનસિક રીતે બીમાર હતી. તેની ભાભી પાર્વતી સાથે ઝઘડો કર્યા બાદ તેણે પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી બેઠી અને તેના બે ભત્રીજાને માથા પર માર માર્યાનું પ્રાથિમક અહેવાલોમાં જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Budaun Double Murder: બાળકોને છત પર બોલાવ્યા, કુહાડીથી હત્યા કરી…બદાયું હત્યાકાંડની ચોંકાવનારી કહાની
માહિતી મળ્યા બાદ પરિવારજનો તેમને પ્રયાગરાજ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન બંને બાળકોના મોત થયા. મૃતક બાળકોને લઈને પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા હતા. બાળકોના પિતા સંજય મજૂરી કામ કરવા મુંબઈ ગયા હતા. માહિતી મળતા તે આવવા નીકળી ગયા છે.
ડીસીપી શ્રદ્ધા નરેન્દ્ર પાંડેનું કહેવું છે કે ઘટના બાદથી કાકી ફરાર છે. તેણી માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. પોલીસ તેને શોધી રહી છે. આ મામલે કેસ નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.