નેશનલ

પાકિસ્તાનમાં બલોચ બળવાખોરોનો કહેર: એકસાથે 12 જગ્યાએ હુમલા, 130થી વધુના મોત, ભારત પર આરોપ…

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના દક્ષિણપશ્ચિમ પ્રાંત બલુચિસ્તાનમાં બળવાખોર જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA)એ એકસાથે 12 થી વધુ સ્થળોએ હુમલા કર્યા હતાં. પાકિસ્તાન સરકારના જણાવ્યા મુજબ આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબારમાં 15 નાગરિકો અને 18 સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે. પાકિસ્તાનના સુરક્ષા દળોની કાર્યવાહીમાં 92 હુમલાખોરોના મોત થયા છે.

છેલ્લા કેટલાક દશકોમાં પાકિસ્તાનમાં નોંધાયેલો આ સૌથી ઘાતક હુમલો છે. BLAના બળવાખોરોએ નાગરિકો, હાઈ સિક્યોરિટી જેલ, પોલીસ સ્ટેશનો અને અર્ધલશ્કરી દળોના મથકોને નિશાન બનાવીને હુમલા કર્યા હતાં. જે દરમિયાન કેટલીક બેંકોમાં લૂંટ ચલાવવામાં આવી અને કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી. રેલ્વે ટ્રેક પણ ઉખેડી નાખવામાં આવ્યા હતાં.

સરકારનો દાવો:
બલુચિસ્તાન પ્રાંતની સરકારના જણાવ્યા મુજબ મોટાભાગના હુમલાઓ નાકામ કરવામાં આવ્યા હતાં. આ અઠવાડિયે બે આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી કરીને 41 બળવાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા, જેના બદલામાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાંતના મુખ્યપ્રધાન સરફરાઝ બુગતીએ X પર લખ્યું કે ગયા વર્ષે સુરક્ષા દળોની કાયવાહીમાં 700થી વધુ બળવાખોરોને ઠાર કરવામાં આવ્યા હતાં.

પાકિસ્તાની સુરક્ષા દળોના અધિકારીઓના જણાવ્યા મુજબ શનિવારે 92 છેલ્લા 48 કલાકમાં બલુચિસ્તાનમાં 133 બળવાખોરો માર્યા ગયા છે.

84 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાનો દાવો:
BLA એ એક નિવેદનમાં દાવો કર્યો છે કે 15 કલાક સુધી ચાલેલા હુમલામાં હુમલામાં 84 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓને માર્યા ગયા છે. BLA એ જણાવ્યું કે તેમના ચાલી રહેલા “ઓપરેશન હેરોફ” બીજા તબક્કા હેઠળ આ હુમલા કરવામાં આવ્યા હતાં.

BLA એ આ હુમલાની જવાબદારી સ્વિકારતા કેટલાક વિડીયો જાહેર કર્યા છે, જેમાં જોવા મળે છે કે મહિલાઓ પણ આ હુમલામાં જોડાઈ હતી.

BLA એ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન સરકાર દેશના સૌથી મોટા પ્રાંતના સમૃદ્ધ ખનિજ સંસાધનોનું શોષણ કરી રહી છે, જેનો સ્થાનિક લોકોને કોઈ લાભ નથી મળી રહ્યો.

હુમલા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ:
BLA સહીત અન્ય બલોચ અલગાવવાદી જૂથો અને પાકિસ્તાની તાલિબાન જૂથ વારંવાર બલૂચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં સુરક્ષા દળોને નિશાન બનાવીને હુમલા કરતા રહે છે.

પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસીન નકવી

પાકિસ્તાને ફરી ભારત પર બલોચ અલગાવવાદીને સમર્થન આપવાના આરોપ લગાવ્યા છે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસીન નકવીએ કહ્યું કે હુમલાખોરોને ભારત તરફથી સમર્થન હતું. તેમણે કહ્યું કે, “અમે દુનિયા સમક્ષ ભારતને ખુલ્લું પાડી દેશું, જે ચહેરો તેઓ દુનિયાને બતાવે છે અને જે ચહેરા સાથે તેઓ આતંકવાદીઓને મદદ કરી રહ્યા છે તે દુનિયાને બતાવીશું.”

પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) નમાં જણાવ્યા મુજબ હુમલા પાછળ ફિત્ના અલ હિન્દુસ્તાન નામના સંગઠને મદદ કરી હતી.

ભારતના જવાબની રાહ:
પાકિસ્તાને BLAને પ્રતિબંધ સંગઠન જાહેર કર્યું છે, યુએસએ પણ તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંગઠને પાકિસ્તાનમાં સંખ્યાબંધ હુમલા કર્યા છે. પાકિસ્તાન સતત આરોપ લગાવતું રહે છે કે ભારત BLAને સમર્થન આપી રહ્યું છે.

ભારતે અગાઉ પાકિસ્તાનના આવા આરોપોને નકારી કાઢ્યા છે, પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા આરોપો અંગે ભારતે હજુ સુધી જવાબ આપ્યો નથી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button