નેશનલ

ચૂંટણી પહેલા ભાજપનો ‘માસ્ટરસ્ટ્રોક’?: ઓડિશામાં મોટી પાર્ટી સાથે ગઠબંધનના એંધાણ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ માસ્ટર સ્ટ્રોક માર્યો છે, જેમાં ઓડિશામાં સત્તાધારી પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી)ની સાથે ગઠબંધન થવાના એંધાણ છે. ઓડિશામાં ભાજપ અને બીજેડીનું ગઠબંધન લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

યુતિ મુદ્દે આગામી એક-બે દિવસમાં સકારાત્મક નિર્ણય શકાય છે. બંને પાર્ટી સાથે ગઠબંધન નક્કી માનવામાં આવી રહ્યું છે, જ્યારે તેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકની પાર્ટી સાથે ગઠબંધન કરવા માટે ભારતીય જનતા પાર્ટીની વાતચીત ચાલી રહી છે. લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને બીજેડી વચ્ચે ગઠબંધન કરવામાં આવશે, જેમાં લોકસભામાં ભાજપ અને વિધાનસભામાં બીજેડી વધુ બેઠક પર ચૂંટણી લડી શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓડિશાના જાજપુર જિલ્લાના ચંડીખોલેની મુલાકાત લીધી હતી. એ વખતે મંચ પર ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને પીએમ મોદી એક મંચ પર જોવા મળ્યા હતા. પીએમ મોદી અને મુખ્ય પ્રધાન નવીન પટનાયકે એ વખતે બંનેની પ્રશંસા પણ કરી હતી.

પીએમ મોદીએ પટનાયકને ઓડિશાના લોકપ્રિય મુખ્ય પ્રધાન કહીને તેમની પ્રશંસા કરી હતી. એના જવાબમાં પટનાયકે પણ ભારતના આર્થિક વિકાસમાં પીએમ મોદીની મહત્ત્વની ભૂમિકા ગણાવી હતી. અહીં એ જણાવવાનું કે આવતીકાલે કોર ગ્રુપની બેઠકમાં આ મુદ્દે ચર્ચા-વિચારણા કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીની તારીખ એકસાથે જાહેર કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button