ભારતમાં એક જ નેતા હોવો જોઈએ એવો ભાજપનો વિચાર અપમાનજનક છે: રાહુલ ગાંધી
સુલતાન બાથેરી (વાયનાડ): ભાજપના સિનિયર નેતા રાહુલ ગાંધીએ સોમવારે કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર પર દેશમાં એક જ નેતા હોવો જોઈએ એવો વિચાર વહેતો કર્યો છે અને આ દેશના લોકોનું અપમાન છે.
ભારત તો ફૂલોનો ઝૂમખો છે અને દરેકનું સન્માન થવું જોઈએ, કેમ કે તે બધા જ આખા ગુલદસ્તાની સુંદરતામાં યોગદાન આપે છે, એમ વાયનાડના સંસદસભ્યે કહ્યું હતું.
ભારતમાં ફક્ત એક જ નેતા હોવો જોઈએ એ વિચાર જ દરેક યુવાન ભારતીયના અપમાન સમાન છે, એમ તેમણે પાર્ટીના કાર્યકર્તાના મેળાવડામાં કહ્યું હતું.
તેમણે વાયનાડમાં ચૂંટણી ઝુંબેશના ભાગરૂપે રોડ શો પણ કર્યો હતો.
તેમણે એવો સવાલ કર્યો હતો કે ભારતમાં એકથી વધુ નેતા કેમ ન હોઈ શકે? તેમણે કહ્યું હતું કે આ વિચારધારા જ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચેનો તફાવત છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે કૉંગ્રેસ દેશના લોકોને સાંભળવા માગે છે અને તેમની માન્યતા, ભાષા, ધર્મ, સંસ્કૃતિને પ્રેમ અને સન્માન આપે છે, પરંતુ ભાજપ ઊપરથી કશું લાદવા માગે છે.
આપણને અંગ્રેજો પાસેથી આઝાદી એટલા માટે નથી મળી કે આપણે આરએસએસની વિચારધારાના ગુલામ બની જઈએ. અમે એવું ભારત ઈચ્છીએ છીએ જેમાં જનતાનું શાસન હોય, એમ તેમણે કહ્યું હતું.
વાયનાડથી વધુ એક વખત ચૂંટાવા માગનારા રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ બીજી વખત વાયનાડમાં આવ્યા હતા. તેમણે ઉમેદવારી પત્ર ભરીને અને રોડ શોનું આયોજન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે 2019માં રાહુલ ગાંધી વાયનાડથી વિક્રમી 4,31,770 મતે જીત્યા હતા. કેરળમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. (પીટીઆઈ)