વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ક્યાં વિવાદાસ્પદ ચૂકાદા આપ્યા હતા?

નવી દિલ્હી: ભારતની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી રાજકીય ગરમાગરમીનું કેન્દ્ર બની છે. ઈન્ડિ એલાયન્સે તેલંગાણાના ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
જ્યારે એનડીએએ તમિલનાડુના સીપી રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણી દક્ષિણ ભારતના બે દિગ્ગજો વચ્ચેની લડાઈ બની ગઈ છે. જોકે, રેડ્ડીના અગાઉના ચુકાદાઓને લઈને ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે, જેનાથી આ ચૂંટણી વિવાદાસ્પદ બની રહી છે.
ઈન્ડિ એલાયન્સે બી સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, જેની જાહેરાત કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કરી. આ નિર્ણય વિપક્ષી ગઠબંધનની ચર્ચા બાદ લેવાયો, અને આમ આદમી પાર્ટીએ પણ રેડ્ડીને સમર્થન આપ્યું.
રેડ્ડી, જે 1946માં જન્મ્યા, 2007થી 2011 સુધી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહ્યા. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી, આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે કામ કર્યું, અને 2005માં ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. બીજી તરફ, એનડીએએ ઓબીસી સમુદાયના સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા, જે દક્ષિણના રાજકીય સમીકરણોને મજબૂત કરવાનો પ્રયાસ દર્શાવે છે.
રેડ્ડીના ચુકાદાઓનો વિવાદ
બી સુદર્શન રેડ્ડીના કેટલાક ચુકાદાઓએ રાજકીય વિવાદોને જન્મ આપ્યો છે. 2011માં તેમણે સલ્વા જુડુમ નીતિને રદ કરી હતી, જે છત્તીસગઢમાં માઓવાદીઓ સામે આદિવાસી યુવાનોને હથિયારબંધ કરવાની યોજના હતી. આ નિર્ણય દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર નંદિની સુંદરની અરજી પર કરવામાં આવ્યો હતો.
જેમના પર નક્સલીઓ સાથે સંબંધોના આરોપો છે. જે બાદ ભોપાલ ગેસ ત્રાસદીના કેસમાં તેમના ચુકાદાઓ પર વોરેન એન્ડરસનને બચાવવાનો આરોપ લાગ્યો હતો, જ્યારે ઈઝરાયલને ભારતીય હથિયારોની નિકાસ વિરુદ્ધ અરજી પણ તેમણે દાખલ કરી હતી. તેલંગાણામાં જાતિ સર્વેક્ષણનું નેતૃત્વ કરનાર રેડ્ડીની ભૂમિકા પણ કોંગ્રેસના જાતિ ગણતરી અભિયાન સાથે જોડાયેલી છે, જે ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બની શકે છે.
આ પણ વાંચો…જાણો કોણ છે ઈન્ડિ ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી?