નેશનલ

ઝારખંડમાં ભાજપના નેતાની હત્યાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા કાર્યકરો, 9 કલાક પાળ્યો બંધ

રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાની હત્યાના વિરોધમાં ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ) પાર્ટી અને અન્ય સંગઠનોના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે નવ કલાક સુધી બંધની જાહેરાત કરી હતી.

ભાજપના રાંચી ગ્રામીણ જિલ્લા મહાસચિવ અનિલ મહતો ટાઇગરની બુધવારે ધોળા દિવસે રાંચીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ પૂર્વ જિલ્લા પરિષદના સભ્ય પણ હતા. પાર્ટીના ઝંડા સાથે કાર્યકર્તાઓએ રાંચીના હરમૂ, ધુર્વા અને પિસ્કા મોડ સહિત વિવિધ વિસ્તારોમાં પ્રદર્શન કર્યું હતું.

પાર્ટીના પ્રવક્તા પ્રદીપ સિંહાએ કહ્યું હતું કે, “અમે રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને અનિલ મહતો ટાઇગરની હત્યાના વિરોધમાં સાંજે 5 વાગ્યા સુધી નવ કલાકના બંધનું આહવાન કર્યું છે.”

ઝારખંડ ક્રાંતિકારી લોકતાંત્રિક મોરચા, કેન્દ્રીય સરના સમિતિ અને કેટલાક અન્ય સંગઠનોએ પણ બંધને સમર્થન આપ્યું છે. બંધને ધ્યાનમાં રાખીને ગુરુવારે શહેરની મોટાભાગની શાળાઓ બંધ રહી હતી.

સવારના સમયે માર્ગો પર વાહનોની સંખ્યા પણ અન્ય દિવસોની સરખામણીએ ઓછી જોવા મળી હતી. રાંચી પ્રશાસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે તથા પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે બંધ પાળવાની અપીલ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button