દિલ્હી ચૂંટણીઃ ત્રિલોકપુરીની સીટ પર ભાજપના ઉમેદવારે કર્યો ચમત્કાર, કેટલા મતથી જીત્યા?
![bjp wins trilokpuri seat in delhi election 2025](/wp-content/uploads/2025/02/bjp-trilokpuri-seat.webp)
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં ભાજપે 27 વર્ષ બાદ સત્તા મેળવી હતી. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ 70માંથી 48 સીટ પર જીતી મેળવી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (આપ)ને 22 સીટ મળી હતી. દિલ્હી ચૂંટણી પરિણામમાં ત્રિલોકપુરી (એસસી) સીટ પર ઘણા બધા લોકોની નજર હતી. જેનું કારણ આમ આદમી પાર્ટીએ અહીંથી વર્તમાન ધારાસભ્ય રોહિત મેહરોલિયાની ટિકિટ કાપીને અંજના પારચાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપે 32 વર્ષના યુવા નેતા રવિકાંત ઉજ્જૈનને ટિકિટ આપી હતી. અહીંની બેઠક પર મતગણતરીમાં ભારે રસાકસી રહ્યા પછી ભાજપના યુવાનેતાએ જીત મેળવી હતી.
Also read : રાહુલ ગાંધીના મનમાં શું ચાલી રહ્યું છે? AAP સાથે હિસાબ સરભર કર્યા બાદ હવે કોનો વારો?
‘આપ’ની હારનું કારણ સાચું શું?
અહીંની સીટ પર ચમત્કાર કહો કે પછી અન્ય કારણ પણ જીત માટે સૌથી એક કરતા અનેક કારણો જવાબદાર હતા. અલબત્ત, રવિકાંતે માત્ર 392 મતથી જીત મેળવી હતી. ભાજપ માટે આ જીત ખાસ હતી. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીથી આમ આદમી પાર્ટી સતત જીતતી હતી. રવિકાંતને 58,217 વોટ મળ્યા હતા, જ્યારે આપના અંજના પારચાને 57825 મત મળ્યા હતા. 11 રાઉન્ડની મતગણતરી સુધી આમ આદમી પાર્ટીના અંજના પારચા આગળ ચાલતા હતા. એક તબક્કે અંજના 13 હજાર મતથી આગળ હતા, પરંતુ 12મા અને અંતિમ રાઉન્ડમાં રવિકાંતને લીડ મળી હતી. આ સીટ પરથી ‘નોટા’ (None of the above)ને 683 મત મળ્યા હતા. એટલે કે નોટા આ સીટ પર આમ આદમી પાર્ટીની હારનું કારણ બન્યું હતું તેમ પણ કહી શકાય.
ભાજપે 3 ચૂંટણી બાદ મેળવી જીત
2013માં આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી આ સીટ આંચકી લીધી હતી. ‘આપ’ના રાજીવ ધીંગને ત્યારે ભાજપના તત્કાલીન ધારાસભ્ય સુનીલ કુમારને 17 હજાર મતથી હરાવ્યા હતા. 2015ની વિધાનસભા ચૂંટણીમાં રાજીવ ધીંગન જીત્યા હતા. તેમણે ભાજપના ઉમેદવાર કિરણ વૈદ્યને 29 હજાર કરતાં વધારે મતથી હરાવ્યા હતા.
Also read : દિલ્હીમાં કારમી હાર બાદ કેજરીવાલ હવે શું કરશે? જાણો કયા છે વિકલ્પ
2020ની વિધાનસભા ચૂંટણીમાં આપના રોહિત મેહરોલિયાને મોકો આપ્યો હતો, જ્યારે ભાજપે કિરણ વૈદ્યને ટિકિટ આપી હતી. આપના ઉમેદવારે ભાજપના ઉમેદવારને 12 હજાર મતથી હરાવ્યા હતા. આ રીતે ભાજપે 3 ચૂંટણી બાદ 2025માં જીત મેળવીને બદલો લીધો હતો.