રામમંદિરના કાર્યક્રમનો આ રીતે રાજકીય ફાયદો મેળવશે ભાજપ, લોકસભાની ચૂંટણીમાં થશે જબ્બર પ્રચાર!
વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગરમાગરમીનો માહોલ છે. ભાજપે આજે દિલ્હી મુખ્યાલય ખાતે ચૂંટણીલક્ષી બેઠક તો કરી જ છે, સાથે સાથે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને મુદ્દે પણ અલગથી બેઠક કરી કાર્યકર્તાઓને દિશા-નિર્દેશ આપ્યા છે. ભાજપના કાર્યકરોને 22 જાન્યુઆરીએ દેશભરમાં દિવાળી જેવો માહોલ બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે 25 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ રામ મંદિરના દર્શન કરવા આવતા લોકોને વિવિધ પ્રકારની સુવિધા પૂરી પાડશે. આ અંતર્ગત રામ મંદિરની મુલાકાતે આવનાર લોકોને ઢોલ, તિલક અને ફૂલોની માળા સાથે મોકલવામાં આવશે.
બૂથ લેવલ પર લોકોને ઘરે ઘરે જઇને રામમંદિર વિશે માહિતી આપવામાં આવશે. એક દિવસમાં અંદાજે 50 હજાર લોકોને દર્શન કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. લોકોને જણાવવામાં આવશે કે રામમંદિરના આંદોલનનો ઇતિહાસ શું હતો, તે સમયે કોની સરકાર હતી, વિપક્ષની ભૂમિકા શું હતી, કોણે રામમંદિરનો વિરોધ કર્યો હતો, કોર્ટ કેસમાં શું થયું વગેરે જેવી માહિતી ધરાવતી પુસ્તિકાનું મોટા પાયે વિતરણ કરવામાં આવશે. ભાજપના કાર્યકર્તાઓએ દેશભરમાં આ માટે કામ કરવાની તેમજ લોકો સુધી તેમણે રામમંદિર બનવા પાછળ ભાજપને કઇ રીતે શ્રેય જાય છે તેની માહિતી સતત પહોંચાડતા રહેવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સહિત ઘણા નેતાઓ હાજર હતા.