ભાજપ બંધારણને ખતમ કરીને આરક્ષણ રદ કરવા માગે છે: રાહુલ ગાંધી

બોલાંગીર: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે ભાજપ દેશનું બંધારણ ખતમ કરીને આદિવાસીઓ, દલિતો અને પછાત વર્ગોને આપવામાં આવેલી અનામત રદ કરવા માગે છે.
ઓડિશાના બોલાંગીરમાં ગાંધીએ એવો દાવો કર્યો હતો કે જો ભાજપ આ ચૂંટણીમાં ફરી એક વખત જીતી જશે તો તેઓ જાહેર ક્ષેત્રની બધી સંસ્થાઓનું ખાનગીકરણ કરી નાખશે અને તેનું સંચાલન 22 અબજોપતિઓ દ્વારા કરવામાં આવશે.
ભાજપ આ પુસ્તક ફાડી નાખવા માગે છે, પરંતુ અમે કૉંગ્રેસીઓ અને ભારતના લોકો આવું કરવા દેશું નહીં, એમ તેમણે હાથમાં બંધારણનું પુસ્તક દેખાડતાં કહ્યું છે.
ગાંધીએ કહ્યું હતું કે દેશના ગરીબો, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, ખેડૂતો અને શ્રમિકોને અત્યાર સુધી જે મળ્યું છે તે આ બંધારણને કારણે જ મળ્યું છે.
આ પણ વાંચો : સુપ્રીમે દિલ્હીના સીએમને વચગાળાના જામીન આપતા, અમિત શાહે કહ્યું ‘કેજરીવાલને સ્પેશિયલ ટ્રિટમેન્ટ અપાઈ’
જો ભાજપ જીતશે તો આરક્ષણ ખતમ કરી દેવામાં આવશે. જાહેર એકમો બંધ કરી દેવામાં આવશે અને દેશનું સંચાલન 22 અબજોપતિઓના હાથમાં આવી જશે, આથી જનતાની સરકાર બનવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
ગાંધીએ એવો દાવો કર્યો હતો કે 22 અબજોપતિઓની રૂ. 16 લાખ કરોડની લોન માફ કરી દેવામાં આવી હતી. આટલી રકમમાં મનરેગામાં 24 વર્ષ સુધી રકમ આપી શકાઈ હોત.
તેમણે લોકોને કશું જ આપ્યું નથી. તેમણે ખેડૂતોની કે પછી વિદ્યાર્થીઓની લોન માફ કરી નથી. લોનમાફી જવા દો તેમણે નાના વ્યવસાયોને તો લોન પણ આપી નથી, એમ તેમણે દાવો કર્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે જીએસટી હેઠળ દેશને જે મહેસુલી આવક મળે છે તેનો લાભ ફક્ત બે-ત્રણ લોકોને મળી રહ્યો છે.
ગાંધીએ કહ્યું હતું કે જો કૉંગ્રેસ સત્તામાં આવશે તો જાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવશે. જેથી દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગને યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે.
તેઓ 22 અબજોપતિ માટે કામ કર્યું છે અને અમે કરોડો લખપતિઓ નિર્માણ કરવાના છીએ, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)