‘GEN-X, Y, Z’ અંગેના મનીષ તિવારીના નિવેદનને ભાજપે મરોડ્યું, પાછળથી કરવી પડી સ્પષ્ટતા

નવી દિલ્હી: પાછલા વર્ષોમાં જેન-ઝી તરીકે ઓળખાતા યુવાનોએ કેટલાક દેશોમાં સરકાર બદલી નાખી છે. જેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળનો સમાવેશ થાય છે. યુવાનોનું આ વલણ દર્શાવે છે કે તેઓ કોઈ પણ સરકારની મનમાની કે ભ્રષ્ટાચાર જેવો વિશેષાધિકાર સ્વીકારવા માટે તૈયાર નથી. જોકે, આવી જ વાત કૉંગ્રેસના નેતા મનીષ તિવારીએ કરી હતી, પરંતુ આ વાત કરીને હવે તેઓ ફસાઈ ગયા છે.
શું બોલ્યા હતા મનીષ તિવારી
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં એક્સ પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “દેશના યુવાનો, દેશના વિદ્યાર્થીઓ અને દેશના જેન-ઝી સંવિધાન બચાવશે, લોકશાહીની રક્ષા કરશે અને વોટ ચોરી રોકશે.” રાહુલ ગાંધીની આ વાતને થોડી વધારીને કૉંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું હતું કે, “નેપાળમાં જેન-ઝી આંદોલન બાદ સરકાર પડી ગઈ અને પછી વચગાળાની સરકારનું ગઠન થયું.
આ જ રીતે 2023માં શ્રીલંકા ખાતે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને રાજીનામું આપવું પડ્યું હતું. 2024માં બાંગ્લાદેશમાં પણ તખ્તાપલટ થયો હતો અને શેખ હસીનાને ભાગીને ભારત આવવું પડ્યું હતું. આ સિવાય ફિલિપાઈન્સમાં ફર્ડિનેંડ માર્કોસ જૂનિયરના વિરોધ પ્રદર્શન થયા. જેની પાછળ એક જ સંદેશ છે કે, જનરેશન X, Y કે Z કોઈપણ વિશેષાધિકારનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી.
ભાજપએ નિવેદનને મરોડ્યું
મનીષ તિવારીના નિવેદનને લઈને ભાજપના આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવીયએ કહ્યું કે, રાહુલ ગાંધી ભારતીય રાજનીતિના અલ્ટિમેટ નેપો કિડ છે. જનરેશન એક્સ જ નહીં, અત્યારસુધી કૉંગ્રેસના દિગ્ગજો પણ આ પછાત રાજકારણથી કંટાળી ચૂક્યા છે. કૉંગ્રેસની અંદર પણ વિદ્રોહની ગંધ આવી રહી છે.
મનીષ તિવારીએ કરી સ્પષ્ટતા
ભાજપના આઈટી સેલ દ્વારા નિવેદનને મરોડીને રજૂ કરાતા મનીષ તિવારીને ખુલાસો આપવો પડ્યો છે. મનીષ તિવારીએ જણાવ્યું કે, “મારું નિવેદન ભાજપ કે કૉંગ્રેસ પૂરતું સીમિત નથી, પરંતુ દક્ષિણ અને પૂર્વ એશિયાની ઘટનાઓના વ્યાપક પરિપેક્ષ્ય વિશે છે. આ તમામ ઘટનાઓની અસર રાષ્ટ્રીય સુરક્ષા પર પડી શકે છે. એવામાં તેને સરખી રીતે સમજવું અને સમજાવવું જરૂરી છે.”
આપણ વાંચો: ભારતીય એર સ્પેસમાં પાકિસ્તાનના વિમાનો માટે NO ENTRY જ રહેશે, સરકારે ફરી વધાર્યો સમય