ભાજપ અને ટીડીપીએ આગામી ચૂંટણીમાં સાથે રહેવાનું નક્કી કર્યું છે: ટીડીપીના નેતા રવીન્દ્ર કુમાર
નવી દિલ્હી: તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી)ના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ કે. રવીન્દ્ર કુમારે શુક્રવારે એવો દાવો કર્યો હતો કે ભાજપ, જનસેના અને તેમની પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીમાં સાથે રહેશે અને તેની કાર્યપદ્ધતી નિર્ધારિત કરવામાં આવી રહી છે.
ટીડીપીના અધ્યક્ષ એન. ચંદ્રાબાબુ નાયડુએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડા સાથે ચર્ચાઓ કરી તેના બીજા દિવસે કુમારે કહ્યું હતું કે પ્રાથમિક ચર્ચાઓ થઈ ગઈ છે અને લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનનો હેતુ સ્પષ્ટ થઈ ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવશે.
સૈદ્ધાંતિક રીતે ભાજપ, ટીડીપી અને જન સેનાએ સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે, એમ તેમણે કહ્યું હતું.
અમિત શાહના નિવાસસ્થાને ગુરુવારે લગભગ દોઢ કલાક ચાલેલી બેઠકમાં જન સેનાના પ્રમુખ અને અભિનેતા પવન કલ્યાણ પણ સહભાગી થયા હતા.
સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આવા ગઠબંધનમાં ભાજપને કેટલી બેઠકો મળશે તેના પર બેઠકોની વહેંચણીનો મુદ્દો અટકી પડ્યો છે. આંધ્ર પ્રદેશમાં લોકસભાની 25 અને વિધાનસભાની 175 બેઠક છે.
ત્રણેય પાર્ટીના ટોચના નેતાઓ ચર્ચાના બીજા દોરમાં મતભેદો દૂર કરીને બેઠકોની વહેંચણી અંતિમ કરશે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી. (પીટીઆઈ)