રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડતા સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવાને નિર્ણયને લઈને સ્મૃતિ ઈરાનીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે અમેઠીમાં હાર સ્વીકારી લીધી છે. રાહુલ ગાંધીને અમેઠીમાં જીતની કોઈ શક્યતા દેખાતી ન હતી. તેથી તે રાયબરેલી તરફ વળ્યા છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગાંધી પરિવાર અમેઠીથી ચૂંટણી ન લડે એ એ વાતનો સંકેત છે કે પાર્ટીએ ચૂંટણી લડતા પહેલા હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે જો જીતની તક હોત તો તે લડયા હોત. આજે અમેઠીનો વિજય દિવસ છે.
કોંગ્રેસે શુક્રવારે રાયબરેલી અને અમેઠી લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા હતા. કિશોરી લાલ શર્માને અમેઠીથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે રાહુલ ગાંધીને રાયબરેલીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને સીટો માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે. આ અગાઉ એવું માનવામાં આવતું હતું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસે કે.એલ. શર્માને ઉમેદવાર બનાવીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું. પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તેવી ચર્ચા હતી પરંતુ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહી નથી.
રાહુલ ગાંધી સમજી વિચારીને પગલાં ભરે છે : જયરામ રમેશ
કોંગ્રેસ પાર્ટીએ તેને રાહુલને રાયબરેલીથી ચૂંટણી લડાવવાની રણનીતિનો એક ભાગ ગણાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધીનું રાયબરેલીથી ચૂંટણી લડવું એ રણનીતિનો એક ભાગ છે. તેમણે કહ્યું કે માત્ર અમેઠી અને રાયબરેલી જ નહીં. સમગ્ર દેશ ગાંધી પરિવારનો ગઢ છે. રાહુલ ગાંધી સમજી વિચારીને પગલાં ભરે છે. રાયબરેલી બેઠક વારસો નથી પણ જવાબદારી છે.
ડરો નહિ, ભાગો નહિ : પીએમ મોદી
દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડી દીધી છે અને કોંગ્રેસે તેમને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા છે. અમેઠી બેઠક છોડયા બાદ ભાજપ રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહી છે. જેમાં પીએમ મોદીએ પણ પ્રહાર કર્યા છે. પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “મેં પહેલેથી જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શેહજાદા પોતાના માટે બીજી બેઠક શોધી રહ્યા છે. હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલી બેઠક પસંદ કરવી પડી છે. આ લોકો પાસે જાય છે અને બધાને કહે છે – ડરશો નહીં! હું પણ તેમને એ જ કહીશ – ડરશો નહીં! ભાગશો નહિ!