કેજરીવાલના ‘શીશમહલ’માં જેકુઝી, જિમ, આલીશાન બેડરૂમ અને સ્પા! ભાજપે વીડિયો જાહેર કર્યો
નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને ઝારખંડ બાદ હવે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly election) યોજવાનીને, રાજકીય પક્ષોએ આ ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે, રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થવા લાગ્યા છે. એવામાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ આમ આદમી પાર્ટી (AAP) પર ગંભીર આરોપ લગાવતો એક વીડિયો શેર કર્યો છે.
BJPએ શેર કરેલા વિડીયોમાં ‘શીશમહેલ’, ડ્રગ્સ, કથિત દારૂ કૌભાંડ અને દિલ્હીની સ્થિતિ વિશે વાત કરવામાં આવી છે. ભાજપે પૂર્વ મુખ્ય પ્રધાન કેજરીવાલ પર 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત બંગલામાં જાહોજલાલી અંગે આરોપ લગાવ્યો હતો, ભાજપ આ બંગલાને ‘શીશમહેલ’ ગણાવતી આવી છે. કેજરીવાલે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ બંગલો ખાલી કરી દીધો હતો.
બીજેપીના વીડિયોમાં શું છે?
ભાજપે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં હની સિંહનું ગીત બેકગ્રાઉન્ડમાં વાગતું સંભળાય છે. વિડીયોમાં AAP ચીફ અરવિંદ કેજરીવાલને ‘મિલિયોનેર’ કહેવામાં આવ્યા છે.
બીજેપી દિલ્હીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરેલા વીડિયોની સાથે લખ્યું છે કે, “કેજરીવાલના 7-સ્ટાર શીશમહલ; પોતાને આમ આદમી ગણાવતા અરવિંદ કેજરીવાલની જાહોજલાલીના શીશમહેલ વીડિયો મળી ગયો છે…. તમે જોઈને દંગ રહી જશો.”
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, “કેજરીવાલના આલીશાન મહેલને જુઓ, જેઓ પોતાને સામાન્ય માણસ ગણાવે છે. કેજરીવાલનો આ મહેલ જુઓ જેણે કહ્યું હતું કે તેઓ કાર, બંગલો કે સુરક્ષા નહીં લે અને આ મહેલમાં શાન જુઓ.”
Also Read – Delhi Assembly election: AAP એ 31 માંથી 20 બેઠકો પર ચહેરા બદલ્યા, સિસોદિયાની સીટ કેમ બદલાઈ?
ભાજપે કટાક્ષ કરતા લખ્યું કે વાહ કેજરીવાલ, તમે તો ગજબના ધુતારા નીકળ્યા! સરકારી આવાસ નહીં લેવાનું કહીને 7 સ્ટાર રિસોર્ટ બનાવી નાખ્યો? આમ આદમીના આ મહેલમાં સુવિધાઓ જુઓ.
આ વીડિયોમાં અલગ-અલગ રૂમ, કિચન, વૉશરૂમ બધું જ બતાવવામાં આવ્યું છે. અગાઉ ભાજપે કહ્યું હતું કે આ ‘શીશમહેલ’ બનાવવા માટે નજીકના ઘણા બંગલાઓને નિયમો તોડીને તેમાં જોડી દેવામાં આવ્યા હતા. 10 હજાર યાર્ડના બંગલાને 35 હજાર યાર્ડનો કરી દેવામાં આવ્યો.