નેશનલ

“….કોંગ્રેસ માટે આ નવું નથી” ભાજપે વિડીયો શેર કરીને કર્યા આરોપ

નવી દિલ્હી: દેશની 18 મી લોકસભાનું પ્રથમ સત્ર ખૂબ જ હોબાળા બાદ પૂર્ણ થયું છે. આ દરમિયાન સંસદમાં મંગળવારે જે થયું તે જોઈને લોકતાંત્રિક સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખનારા લોકોને પણ વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા હતા ત્યારે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિપક્ષના નેતાઓને ભડકાવી રહ્યા હતા. ભાજપે શેર કરેલ વીડિયોમાં આ આરોપ કરવામાં આવ્યો છે.

જ્યારે વડાપ્રધાન મોદી લોકસભામાં પોતાનું સંબોધન આપી રહ્યા હતા, તે જ સમયે વિપક્ષે લોકસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો અને વડાપ્રધાન મોદી અને તેમની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ અંગે ભાજપ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું હતું. ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી દ્વારા વિપક્ષી સાંસદોને ઉશ્કેરવામાં આવ્યા હતા, જેના કારણે ગૃહમાં અશોભનીય ઘટના બની હતી.

રાહુલ ગાંધી દ્વારા ઉશ્કેર્યા બાદ વિપક્ષના સાંસદોએ વેલમાં આવીને નારા લગાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં તેમણે વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાદ ભાજપ દ્વારા 2012નો પણ એક વિડીયો શેર કર્યો હતો અને તેની સાથે જ રાહુલ ગાંધીનો વિડીયો શેર કરીને લખવામાં આવ્યું હતું કે મા સોનિયા ગાંધીની જેમ રાહુલ ગાંધીએ સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ નાખવાની કોશિશ કરવામાં આવી હતી.

ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે વડાપ્રધાન મોદી ગૃહમાં પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી વિરોધ પક્ષના સાંસદોને જોરથી નારા લગાવીને વેલમાં જવાનો ઈશારો કરી રહ્યા છે. આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ મંગળવારે જે કર્યું તે ન તો આશ્ચર્યજનક છે અને ન તો નવું. રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધીએ પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારને ઘેરવા માટે આવું જ કર્યું હતું અને તેઓ ગૃહમાં ઘણી વખત આવું વર્તન કરતા હતા.

આ સાથે ભાજપે આ ઘટનાનો વધુ એક વીડિયો શેર કર્યો હતો અને લખ્યું કે જ્યાં એક તરફ રાહુલ ગાંધી વિપક્ષના નેતાઓને વેલમાં જઈને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો કરવા માટે ઉશ્કેરી રહ્યા હતા, તો બીજી તરફ જે સાંસદો વેલમાં પહોંચીને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા તેને નરેન્દ્ર મોદી પાણી પાતા જોવા મળ્યા હતા.

જો કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ આવા કૃત્ય માટે રાહુલ ગાંધી પર રોષ વ્યક્ત કર્યો હતો અને તેમના પર વિરોધ પક્ષના સાંસદોને ગૃહની વેલમાં જઈને વિરોધ કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. સ્પીકરે રાહુલ ગાંધીનું નામ લઈને કહ્યું હતું કે વિરોધ પક્ષના નેતા તરીકે તમને શોભતું નથી. મેં તમને સભ્યોને વેલમાં જવાનું કહેતા જોયા છે. આ વર્તન કોઈપણ રીતે યોગ્ય નથી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button