ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલા 12 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની નિયુક્તિનો માર્ગ મોકળો, ગુજરાત પર પણ સૌની નજર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીનો મામલો સતત ટળી રહ્યો હતો, પરંતુ હવે નિર્ણયની ઘડી નજીક આવી રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે ઓછામાં ઓછા અડધા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો નક્કી થવા જરૂરી છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્ય પ્રદેશ જેવા ઘણા મોટા રાજ્યો સહિત 12 રાજ્ય એકમો પર નિર્ણય અટકેલો હતો. જોકે, હવે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
નવા પ્રદેશ અધ્યક્ષોના નામ જાહેર
સોમવારે મિઝોરમ માટે કે. બેઈચુઆ અને પુડુચેરી માટે વી.પી. રામલિંગમ ના નામ નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેલંગાણા માટે પણ કે. રામચંદ્ર રાવના નામ પર મહોર લાગે તેમ માનવામાં આવી રહ્યું છે અને કોઈપણ સમયે તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આ રાજ્યો ઉપરાંત, ટૂંક સમયમાં જ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોના પ્રમુખો પણ નક્કી થઈ જશે.
RSS બેકગ્રાઉન્ડને પ્રાધાન્ય
ભાજપના સૂત્રો અનુસાર, તેલંગાણા, મિઝોરમ અને પુડુચેરીમાં પસંદ કરાયેલા અધ્યક્ષોમાં એક સામાન્ય પરિબળ એ છે કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેવી જ રીતે, અન્ય રાજ્યોમાં પણ ભાજપનું હાઈકમાન્ડ એવા લોકોને પ્રાધાન્ય આપવાના મૂડમાં છે જેઓ RSS સાથે જોડાયેલા રહ્યા હોય અથવા તેમને લાવવાથી રાજ્યના સામાજિક સમીકરણો સચવાતા હોય. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આંધ્ર પ્રદેશમાંથી પી.વી.એન. માધવ નું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે.
રાજ્યવાર સમીકરણો અને સંભવિત નામો
ઉત્તરાખંડમાં મહેશ ભટ્ટ નું નામ આગળ ચાલી રહ્યું છે. તેઓ જૂના કાર્યકર્તા છે અને તેમનો પરિવાર RSS સાથે જોડાયેલો છે. આ ઉપરાંત, તેઓ OBC વર્ગમાંથી આવે છે. રાજ્યમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રાજપૂત નેતા છે, જ્યારે બ્રાહ્મણો અને રાજપૂતોનો રાજકારણમાં દબદબો અને વસ્તી પણ વધુ છે, ત્યારે બ્રાહ્મણ નેતાને કમાન આપવાથી સંતુલન સધાશે.
તેલંગાણામાં કે. રામચંદ્ર રાવ બ્રાહ્મણ સમુદાયના નેતા છે. રાજ્યમાંથી OBC નેતાઓ બંદી સંજય કુમાર અને જી. કિશન રેડ્ડી કેન્દ્રમાં મંત્રી છે. આવા સંજોગોમાં બ્રાહ્મણ નેતાને કમાન સોંપીને સંતુલન બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં સી. આર. પાટીલ કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ હવે આ પદ પર કોની પસંદગી કરવામાં આવે તેના પર સૌનું ધ્યાન છે. બનાસકાંઠા લોકસભા બેઠક, વિસાવદર પેટા ચૂંટણી તેમજ ઈફકોના વિવાદથી સી. આર. પાટીલનું નેતૃત્વ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
હિમાચલ પ્રદેશમાં રાજીવ બિંદલ ને જ ફરીથી અધ્યક્ષ બનાવવાની ચર્ચા છે. તેઓ વૈશ્ય સમુદાયમાંથી આવે છે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા બ્રાહ્મણ છે અને કેન્દ્રમાં પ્રધાન છે, જ્યારે જયરામ ઠાકુર (રાજપૂત) વિરોધ પક્ષના નેતા છે. આથી, એક વૈશ્યને પ્રદેશ અધ્યક્ષ રાખીને સમીકરણ સચવાશે.
ઉત્તર પ્રદેશમાં કોઈ OBC નેતાને કમાન સોંપવા પર મંથન
ઉત્તર પ્રદેશમાં કોઈ OBC નેતાને કમાન સોંપવા પર મંથન ચાલી રહ્યું છે. આ ઉપરાંત, જો કોઈ બ્રાહ્મણ નેતાને કમાન સોંપવામાં આવે તો પણ નવાઈ નહીં. છેલ્લા ઘણા વર્ષોથી અહીં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે અને બ્રાહ્મણોની ઉપેક્ષાના આરોપો લાગતા રહ્યા છે. હાલમાં યુપીમાં કોઈપણ નામ પર નેતાઓ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે રાજ્ય પ્રદેશ અધ્યક્ષોની પસંદગી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે, અને RSS કનેક્શન તથા સામાજિક સમીકરણોને તેમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો…ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની કવાયત તેજ, મહિલાને અધ્યક્ષ બનાવવાની અટકળો…