નેશનલ

મહિલા સુરક્ષા મામલે મમતા સરકારને ઘેરતી ભાજપના આ વિધાનસભ્યએ યુવતી પાસે કરી આવી અભદ્ર માગણી…

સિમલાઃ હાલમાં કોલકાતામાં ડોક્ટર યુવતીની બળાત્કાર અને હત્યા મામલે દેશભરમાં રોષ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ વિપક્ષમાં હોવાથી અહીં મમતા સરકારને ઘેરવામાં આવી છે અને મહિલા સુરક્ષા મામલે પ.બંગાળની કાયદો અને વ્યવસ્થાની ટીકા કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ ભાજપના જ એક વિધાનસભ્યએ પક્ષના પદાધિકારીની પુત્રી પાસેથી કરેલી અભદ્ર માગણીનો મામલો ભારે ગાજ્યો છે.

એક તરફ જમ્મુ કાશ્મીર સાથે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખો આવી ગઈ છે ત્યારે હરિયાણા નજીક આવેલા હિમાચલ પ્રદેશના ભાજપના વિધાનસભ્યએ યુવતીને રંજાડી હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે
અહીંના ચુરાહ વિધાનસભાના વિધાનસભ્ય અને વિધાનસભાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ હંસ રાજ પર એક યુવતીએ આક્ષેપો કર્યા છે. યુવતીના જણાવ્યા અનુસાર હંસ રાજે તેને નગ્ન ફોટા મોકલવા અને એકાંતમાં મળવા માટે દબાણ કર્યું હતું અને યુવતી વશમાં ન થતાં તેને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.

યુવતીના પિતા ભાજપના પદાધિકારી છે અને તે રીતે 20 વર્ષીય યુવતી વિધાનસભ્યના સંપર્કમાં આવી હતી. વિધાનસભ્યએ તેને ઑનલાઈન ચેટિગં દરમિયાન અશ્લીલ મેસેજ કર્યા હતા અને તેનાં નગ્ન ફોટા મોકલવા દબાણ કર્યું હતું. આ સાથે તેણે એક અશ્લીલ એપ પણ મોકલી હતી.

આ પ્રકરણ ખુલતા જ વિધાનસભ્ય અને તેમના સમર્થકોએ યુવતીને મેસેજ ડિલીટ કરવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જો આમ નહીં કરે તો યુવતી અને પરિવારના જીવ જોખમ હોવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. જોકે યુવતી અને પરિવાર તેમને વશ ન થતાં તેણે પોલીસ ફરિયાદ કરી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે મારા બે ફોનમાંથી એક ફોન તેમણે તોડી નાખ્યો છે. તે લોકો ગમે તે હદ સુધી જઈ શકે છે અને મને કે મારા પરિવારને કોઈપણ જાતની હાનિ પહોંચશે તો તેની માટે જવાબદાર વિધાનસભ્ય અને તેના સમર્થકો હશે.

પોલીસે ગુનો નોંધ્યો છે ત્યારે હિમાચલ પ્રદેશમાં વિરોધપક્ષો ભાજપ પર વાર કરી રહ્યા છે અને યુવતીને સાથ ન આપવા પોતાના પક્ષના લોકો પર પણ દબાણ કરી રહ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે.

મહિલાઓની હેરાનગતી અને તેમની સતામણી મામલે દરેક પક્ષની મહિલાઓએ એક થઈ અવાજ ઉઠાવવો જોઈએ, પરંતુ કમનસીબે રાજકીય પક્ષો આવી ગંભીર ઘટનાઓને પણ રાજકીય રંગ આપી દે છે અને પીડિતોને ન્યાય મળતો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button