
નવી દિલ્હી: તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાસભા ચૂંટણીઓમાંથી ત્રણ રાજ્યમાં મળેલી ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટી(ભાજપ) આત્મવિશ્વાસથી ભરેલી છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે પોતાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે લોકસભાના ઉમેદવારોની યાદીને વહેલી તકે અંતિમ રૂપ આપવા તૈયારીઓ શરુ કરી છે. આ સંકેતો વચ્ચે કે પાર્ટી નેતૃત્વ રાજ્યસભામાં રહેલા કેટલાક દિગ્ગજોને લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ જાન્યુઆરીના અંત સુધીમાં ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરી શકે છે, જોકે ચૂંટણીની તારીખો ફેબ્રુઆરી અથવા માર્ચમાં જ જાહેર થઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉમેદવારોની યાદી વહેલી જાહેર કરવાનો ભાજપનો પ્રયોગ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સફળ થયો હતો, જેના કારણે ઉમેદવારો તેના પ્રતિસ્પર્ધીઓ સામે પ્રચારની વહેલી શરૂઆત કરવામાં મદદ મળી હતી, ઉપરાંત જેમને ટીકીટ મળી ન હતી એવા પાર્ટીના નારાજ નેતાઓના રોષને પણ એ સમયમાં શાંત કરી દેવામાં આવ્યો હતો.
પાર્ટીના સુત્રોએ જણાવ્યું હતું ‘હવા અમારી અમારી તરફેણમાં છે અને હવેથી સ્થિતિ વધુ સારી થઇ રહી છે, રણનીતિના પુનરાવર્તન માટે યોગ્ય સમય છે; ઘણા મોટા નામોને આ વખતે મેદાનમાં નહીં ઉતારવામાં આવે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા શેડ્યૂલની ઘોષણા કરતા પહેલા લોકસભાના ઉમેદવારો યાદીની જાહેરાત કરવી વધુ અર્થપૂર્ણ રહેશે કારણ કે પાર્ટીની દૃષ્ટિએ સફળતાનું સૌથી મહત્વપૂર્ણ પરિબળ પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે, જે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને ભારે બહુમતીથી જીત અપાવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે બે દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક દરમિયાન, એમપી, રાજસ્થાન અને છત્તીસગઢના પ્રદેશ પ્રમુખોએ રજૂઆતો કરી હતી કે કેવી રીતે વહેલી તકે ઉમેદવારોની જાહેરાતે મોટી સંખ્યામાં ઉમેદવારોને પક્ષ માટે સારા પરિણામો લાવવા મદદ કરી હતી. શરૂઆતમાં જાહેર થયેલી પ્રથમ બે યાદીના ઉમેદવરોએ સરળતાથી જીત મેળવી હતી.
સૂત્રોએ એવો પણ સંકેત આપ્યો હતો કે કેટલાક દિગ્ગજ ચહેરાઓને ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે છે, તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કેટલાક લોકસભાના સાંસદોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને જેઓ જીત્યા હતા તેઓને સાંસદ તરીકે રાજીનામું આપવા અને વિધાનસભ્ય તરીકે રહેવા માટે કહેવામાં આવ્યું હતું