મહુઆ મોઇત્રા સામે ભાજપે ચાલ્યું ટ્રમ્પ કાર્ડ, રાજમાતાને મેદાનમાં ઉતાર્યા
બંગાળના કૃષ્ણનગર મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે ‘રાજમાતા’ (ક્વીન મધર) અમૃતા રોયને ઉતારવાના ભાજપના નિર્ણયને લોકસભા ચૂંટણી પહેલા ટ્રમ્પ કાર્ડ તરીકે જોવામાં આવે છે. ભાજપ કૃષ્ણનગરમાં રોયના સ્થાનિક પ્રભાવથી વોટ ગેપ વધારવાની આશા રાખે છે.
ભારતીય જનતા પાર્ટીએ રવિવારે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી, જેમાં 111 નામોનો સમાવેશ થાય છે. ભાજપે પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી રાજમાતા અમૃતા રોયને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જેઓ ટીએમસીના મહુઆ મોઇત્રા સાથે ટક્કર લેશે. આ બેઠક પશ્ચિમ બંગાળની મહત્વપૂર્ણ બેઠકોમાંથી એક છે. ભાજપના આ નિર્ણયને મહુઆ મોઇત્રા વિરુદ્ધ ટ્રમ્પ કાર્ડ માનવામાં આવી રહ્યું છે.
અમૃતા રોય કૃષ્ણનગરના પ્રતિષ્ઠિત રોયલ પેલેસની રાજમાતા છે. લોકસભા ચૂંટણીમાં તેમની સંભવિત ઉમેદવારી અંગે છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી. અમૃત રોય 20 માર્ચે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીની હાજરીમાં ભાજપની સદસ્યતા મેળવી હતી. અમૃતા રોય કૃષ્ણનગરથી ચૂંટણી મેદાનમાં છે. નાદિયા જિલ્લાના ઈતિહાસમાં રાજા કૃષ્ણચંદ્રનું યોગદાન સૌ કોઈ જાણે છે. કૃષ્ણનગર સમૃદ્ધ સાંસ્કૃતિક અને કલાત્મક વારસો ધરાવે છે. ભારતીય ઈતિહાસમાં ખાસ કરીને 18મી સદી દરમિયાન બંગાળમાં મહારાજા કૃષ્ણચંદ્ર રોય જ્ઞાની અને સ્વપ્નદ્રષ્ટા શાસક તરીકે જાણીતા હતા.
નાદિયાના રાજવી પરિવાર સાથે સંકળાયેલા, કૃષ્ણ ચંદ્રને 18 વર્ષની વયે સિંહાસન વારસામાં મળ્યું હતું. તેમણે અનેક વહીવટી સુધારાઓ, કળાના પ્રચાર કર્યો હતો, જેણે તેમના રાજ્યના વિકાસમાં મોટો ફાળો આપ્યો હતો. કૃષ્ણનગર રાજવી પરિવારની ભૂમિકા આજે પણ યાદ કરવામાં આવે છે. ચૂંટણી નિષ્ણાતો માને છે કે અમૃતા રોયની ઉમેદવારીથી ભાજપને પ્રોત્સાહન મળશે અને તેઓ મહુઆ મોઇત્રાને પણ ટક્કર આપી શકશે.
ભાજપના નાદિયા જિલ્લાના નેતૃત્વએ અમૃતા રોયને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં સૌ પ્રથમ રસ દાખવ્યો હતો. ત્યાર બાદ પાર્ટી તેમના સુધી પહોંચી હતી અને તેમને લોકસભાની ચૂંટણી લડવા માટે સંમત કર્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં કૃષ્ણનગર મતવિસ્તારમાંથી મહુઆ મોઇત્રાએ 6,14,872 મતો મેળવ્યા હતા, જ્યારે ભાજપના કલ્યાણ ચૌબેની તરફેણમાં 5,51,654 મતો પડ્યા હતા. આમ મહુઆ મોઇત્રાને 63,218 મતોની જંગી સરસાઇથી જીત મળી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં મહુઆ મોઇત્રાની જીત પાછળ ચોપરા, પલાશીપારા અને કાલીગંજ વિધાનસભામાંથી જંગી સંખ્યામાં મત મળ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં કાલીગંજ વિધાનસભામાં ભાજપ સંગઠને પોતાનો આધાર મજબૂત કર્યો છે. સામે પક્ષે તૃણમૂલ કોંગ્રેસ માટે ભ્રષ્ટાચારના આરોપો અને શાસક પક્ષમાં આંતરકલહ જેવા કેટલાક અવરોધી પરિબળો છે.
ભાજપનું માનવું છે કે, એક સ્થાનિક, પ્રભાવશાળી અને પરિચિત ચહેરો- ‘રાણીમા’ અમૃતા રોયની ઉમેદવારી- પાર્ટીને કૃષ્ણનગરમાં વોટ ગેપને વિસ્તૃત કરવામાં અને મત મેળવવામાં મદદ કરશે.