Sonia Gandhi અને પપ્પુ યાદવ વિરુદ્ધ ભાજપે આપી વિશેષાધિકાર ભંગની નોટિસ
નવી દિલ્હી: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી(Sonia Gandhi)દ્વારા રાષ્ટ્રપતિના અપમાનનો મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો છે. જેમાં હવે ભાજપના સાંસદોએ સોનિયા ગાંધી અને અપક્ષ સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. આ નોટિસને ભાજપના 40 સાંસદોએ ટેકો આપ્યો છે.
આ નોટિસમાં ભાજપના સાંસદોએ લખ્યું છે કે, સોનિયા ગાંધી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી કેટલીક બિનસંસદીય, અપમાનજનક ટિપ્પણીઓ અંગે અમે ખૂબ જ નિરાશા સાથે આ લખી રહ્યા છીએ. રાષ્ટ્રપતિ વિરુદ્ધ સોનિયા ગાંધીની ટિપ્પણી પર ગંભીર વિચારણા અને શિસ્તબદ્ધ કાર્યવાહીની જરૂર છે.
આપણ વાંચો: સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું! બિહારની કોર્ટમાં ફરિયાદ દાખલ; જાણો શું છે મામલો
રાષ્ટ્રપતિના પદ અને ગરિમાનું અપમાન કર્યું
સોનિયા ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા ભાજપના સાંસદોએ કહ્યું કે, અમે આ નિવેદનને ખૂબ જ ચિંતા સાથે પ્રકાશિત કરીએ છીએ. જે દેશના રાષ્ટ્રપતિના કદ અને ગરિમાનું અપમાન કરે છે. આવી ટિપ્પણીઓ માત્ર રાષ્ટ્રપતિ પદની ગરિમાને જ નુકસાન નથી પહોંચાડતી પરંતુ સંસદીય પ્રક્રિયાઓ અને પરંપરાઓની પવિત્રતાનું પણ ઉલ્લંઘન
કરે છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો
તેમજ એ જણાવવું મહત્વપૂર્ણ છે કે સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિ વિરુદ્ધ તેમના નિવેદન માટે કોઈપણ રીતે સંસદીય વિશેષાધિકારોનો લાભ મેળવી શકશે નહીં. આ પત્રમાં રાજા રામ પાલ વિરુદ્ધ લોકસભા સ્પીકરના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: કોંગ્રેસે રાષ્ટ્રપતિનું કર્યું ‘અપમાન’: સોનિયા ગાંધીના નિવેદન મુદ્દે PM Modiએ કર્યો પ્રહાર
ભાજપે બંને નેતાઓના આ નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, સંસદમા રાષ્ટ્રપતિના સંબોધન પછી તરત જ સોનિયા ગાંધીએ આ અંગે ટિપ્પણી કરી હતી. સંસદ સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું બિચારી મહિલા, તે ખૂબ થાકી ગઈ હતી. તેમને બોલવામાં તકલીફ પડતી હતી.
જ્યારે બીજી તરફ પપ્પુ યાદવે પણ રાષ્ટ્રપતિનું અપમાન કરતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ફક્ત એક સ્ટેમ્પ છે. તેમણે ફક્ત લવ લેટર વાંચવાનો છે. ભાજપે બંને નેતાઓના આ નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો હતો.