બજેટની માહિતી જનતા સુધી પહોંચાડવા ભાજપનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, 150થી વધુ પ્રેસ કોન્ફરન્સ યોજાશે…

નવી દિલ્હીઃ ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારામણ 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. નિર્મલા સીતારામણ દેશના પ્રથમ મહિલા નાણા પ્રધાન છે તેઓ સતત નવમું બજેટ રજૂ કરવાના છે, તેવું પીએમ મોદીએ બજેટ સત્રમાં જણાવ્યું હતું. આ બજેટને લઈને ભાજપ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપે બજેટની મુખ્ય બાબતો જનતા સુધી પહોંચાડવા 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી દેશભરમાં જનસંપર્ક અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાનમાં 150થી વધુ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.
દેશભરમાં કુલ 150થી વધુ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય પ્રધાનો, રાજ્યના મુખ્ય પ્રધાન અને ઉપમુખ્ય પ્રધાન, રાજ્ય પ્રધાનોઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. એટલું જ નહીં પરંતુ જે તે રાજ્યોના મુખ્ય સમાચારપત્રોમાં કેન્દ્રીય પ્રધાનોઓ અને નેતાઓના લેખ પ્રકાશિત કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર્સ દ્વારા બજેટ વિશે માહિતી ફેલાવાશે.
અભિયાનનું નિરીક્ષણ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે સમિતિ બનાવી
બજેટના આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનું નિરીક્ષણ કરવા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘની અધ્યક્ષતામાં સમિતિ બનાવી છે. તેમાં શ્રીકાંત શર્મા, ગોપાલ કૃષ્ણ અગ્રવાલ, ગુરુપ્રકાશ પાસવાન, દેવેશ કુમાર, જી.વી.એલ. નરસિમ્હારાવ અને સરોજ પાંડે સહિત નેતાઓ સામેલ છે તેવું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ ભાજપ વિવિધ વર્ગો સાથે સંવાદ કાર્યક્રમો કરશે, જેમાં ખેડૂતો, મહિલાઓ, નાના-મધ્યમ ઉદ્યોગો, વેપારીઓ, મજૂરો, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને કારીગરો સાથે બેઠકો કરવામાં આવશે અને તેમને બજેટની મુખ્ય બાબતો સમજાવવામાં આવશે.

ભાજપે બજેટ પહેલા પ્રચાર શરૂ કરી દીધો
બજેટને લઈને ભાજપે પહેલેથી જ સોશિયલ મીડિયામાં પ્રચાર શરૂ કરી દીધો છે. આ પ્રચારમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મોદી સરકારના અગાઉના બજેટોથી અર્થતંત્ર મજબૂત બન્યું છે. ભાજપનું કહેવું છે કે, વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત છે અને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાના રસ્તે છે. ઘણા દેશો સાથેના મુક્ત વેપાર કરારો વિકાસને વેગ આપશે. આ અભિયાનથી બજેટની માહિતી લોકો સુધી સીધી પહોંચશે અને સરકારી યોજનાઓનું સમર્થન વધશે. બજેટમાં કઈ કઈ બાબતોમાં રાહત મળશે તેના પર સૌની નજર ટકી રહેવાની છે.



