
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની આજે શનિવારથી શરૂઆત થઇ છે. દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત ભાજપની આ અધિવેશનમાં લોકસભા ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ આ દરમિયાન બે પ્રસ્તાવ લાવવામાં આવશે. અહેવાલો મુજબ એક પ્રસ્તાવ વિકસિત ભારત હશે જે મોદીની ગેરંટી પર હોઈ શકે છે, જ્યારે બીજો રામ મંદિર સાથે સંબંધિત હોઈ શકે છે.
આ સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે ભારત મંડપમ પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાગત કર્યું હતું. આ પછી વડાપ્રધાન મોદી ભાજપ અને કેન્દ્ર સરકારની વિકાસ યાત્રા પર તૈયાર કરાયેલા પ્રદર્શનમાં પહોંચ્યા. આ પ્રદર્શનમાં છેલ્લા 10 વર્ષની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અધિવેશનમાં ભાગ લેવા માટે રાજનાથ સિંહ અને અમિત શાહ સહિત ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ પણ ભારત મંડપમ પહોંચ્યા છે.
અધિવેશન અંગે માહિતી આપતા ભાજપના મહાસચિવ બીએલ સંતોષે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પીએમ મોદી બપોરે 3.30 કલાકે ધ્વજ ફરકાવશે. આ પછી સાંજે લગભગ 4.40 કલાકે જેપી નડ્ડાનું ઉદ્ઘાટન ભાષણ થશે. પ્રથમ રીઝોલ્યુશન સાંજે 6:15 કલાકે આપવામાં આવશે અને વિડીયો પ્રેઝન્ટેશન 7:15 કલાકે આપવામાં આવશે. રાત્રે 9 વાગ્યાની આસપાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં NDAના 400 પ્લસ સીટો જીતવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને દેશભરમાંથી પદાધિકારીઓ આવી રહ્યા છે. દર વખતે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ રાષ્ટ્રીય સંમેલન કરે છે. 2014માં લોકસભા ચૂંટણી પહેલા ભાજપે રામલીલા મેદાનમાં સભા કરી હતી. 2019ની લોકસભા ચૂંટણી પહેલા પણ રામલીલા મેદાનમાં સભા યોજાઈ હતી. આ બંને સત્રો બાદ ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી.