આ તે સંસદભવન કે કુશ્તીનો અખાડોઃ સાંસદોએ એકબીજા પર ધક્કામુક્કીના કર્યા આક્ષેપો
નવી દિલ્હીઃ સંસદભવનમાં આપણે ચૂંટીને સાંસદોને મોકલીએ છીએ, પરંતુ અહીં રોજ આક્ષેપો અને હોબાળો થાય છે અને આજે તો જાણે કુશ્તીનો અખાડો હોય તેમ ધક્કામુક્કીના આક્ષેપો થઈ રહ્યા છે. આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને દક્કો મારવાનો આરોપ લાગ્યો છે. આને કારણે સંસદમાં ભારે હોબાળો થયો છે અને વાતાવરણ ગરમાયું છે. ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ તેમને ધક્કો મારવાને કારણે તેમને ઈજા થઈ છે. ભાજપ સાંસદે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો. આ કારણે તે મારા પર પડ્યો અને હું નીચે પડી ગયો.
પ્રતાપચંદ્ર સારંગીને કપાળમાં ઈજા થઈ હતી. આ પછી, તેમને વ્હીલચેર પર બેસાડીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના સંસદના મકર દ્વાર ખાતે બની હતી. ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું કહેવું છે કે તેઓ સીડી પાસે ઉભા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા અને એક સાંસદને ધક્કો માર્યો. રાહુલ ગાંધીના ધક્કાથી તે સાંસદ ડઘાઈ ગયો અને મારા પર પડ્યો હતો. નીચે પડી જવાથી પ્રતાપચંદ્ર સારંગીને કપાળ પર ઈજા થઈ હતી.
આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નિવેદન પણ જાણવા મળ્યુ છે. તેમણે કહ્યું હતું કે ભાજપના સભ્યો તેમને અંદર જતા અટકાવી રહ્યા હતા. આ દરમિયાન ધક્કા મુક્કી થઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને સંસદભવનના પ્રવેશદ્વાર પર રોકવામાં આવી રહ્યા હતા. અંદર જવું અમારો અધિકાર છે. ભાજપના સભ્યોએ લોકોને અંદર જતા અટકાવ્યા હતા. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ભાજપના સાંસદો તેમને ધમકી આપી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ખડગે સાથે પણ ધક્કામુક્કી થઇ હતી. અમને ધક્કામુક્કીથી કશું નહીં થાય. ભાજપ અમને સંસદમાં આવતા રોકી નહીં શકે. આંબેડકરનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
આ મુદ્દે હવે ભાજપના નેતાઓ પણ રાહુલ ગાંધી સામે પ્રહારો કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સંસદ પરિસરમાં થયેલી મારામારી પર રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે હું રાહુલ ગાંધીને સવાલ કરવા માંગુ છું કે આ શારીરિક શક્તિ દર્શાવવાની જગ્યા નથી. જો દરેક વ્યક્તિ પોતાની શક્તિ દર્શાવવા લાગે તો સંસદ કેવી રીતે ચાલશે? કુસ્તી બતાવવાનો અર્થ શું છે? આ કરાટે અથવા કુંગફુ માટેનું સ્થાન નથી. આ કોઈ રાજાની ખાનગી મિલકત નથી પણ લોકશાહીનું મંદિર છે. આ સ્માર્ટનેસ બતાવવાની જગ્યા નથી. સંસદ એ કુસ્તીનું મંચ નથી. રાહુલે શારીરિક શક્તિ બતાવી છે. આ બોક્સિંગનો અખાડો નથી. હું રાહુલ ગાંધીની નિંદા કરું છું.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધી સામંતવાદી છે. સામંત રાહુલે ધક્કો માર્યો હતો. આ દેશ તેમની મિલકત નથી. આ પરિવાર શું કરવા માંગે છે, એવો સવાલ તેમણે કર્યો હતો.
આ પણ વાંચો…શરદ પવારે વડા પ્રધાન મોદીને દાડમ આપી શું સંદેશ આપ્યો?
દરમિયાન એવા સમાચાર પણ છે કે ભાજપ પ્રતાપ સારંગી કેસમાં આરોપની ખરાઈ કરવા માટે વીડિયોની તપાસ કરી રહી છે. જો રાહુલ ભાજપના સાંસદને ધક્કો મારતો વીડિયો જોવા મળે છે, તો ભાજપ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે.
હવે તમને એમ સવાલ થાય કે પ્રતાપ ચંદ્ર સારંગી કોણ છે તો જાણી લો કે તેઓ ઓડિશાના બાલાસોરથી સાંસદ છે. અગાઉ 2019માં પણ તેઓ સાંસદ બન્યા હતા અને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી પણ બન્યા હતા. તેમણે 2014માં લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. તેઓ 2004 અને 2009માં ઓડિશાના નીલગિરી વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાન સભ્ય રહી ચૂક્યા છે. સારંગી તેમની સાદગી માટે જાણીતા છે. તેમણે બાલાસોર અને મયુરભંજના આદિવાસી વિસ્તારોમાં ઘણી શાળાઓ બનાવી છે.