જલેબી વાળા નિવેદન પર ભાજપે રાહુલ ગાંધીની મજાક ઉડાવી, રાહુલે વિગતવાર જવાબ આપ્યો
નવી દિલ્હી: હરિયાણામાં ચૂંટણી (Haryana Election)પ્રચાર દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ આપેલા જલેબી અંગેના નિવેદન બબાતે ભાજપ(BJP) રાહુલની મજાક ઉડાવી રહી છે, ત્યારે રાહુલ ગાંધી તેમના નિવેદન પર મક્કમ છે.
સોનીપતમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અહીંની જલેબી આખા દેશમાં વેચાવી જોઈએ. તેમણે જલેબીની ફેક્ટરી લગાવવાની પણ વાત કરી. ભાજપ આ અંગે રાહુલ ગાંધીની મજાક ઉડાવી રહી છે, ભાજપના નેતાઓએ ટોણો માર્યો કે શું જલેબી ફેક્ટરીમાં બને છે..? હવે રાહુલ ગાંધીએ તેમના નિવેદન અંગે વિગતવાર ખુલાસો કર્યો.
શુક્રવારે એક વિગતવાર સોશિયલ મીડિયા પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “તાજેતરમાં મેં ગોહાનાની સ્વાદિષ્ટ જલેબી વિશે વાત કરી હતી અને તેને મોટા પાયે વેચવાની શક્યતા પર ભાર મૂક્યો હતો. ભારતમાં આવા 5500 ક્લસ્ટર છે, જ્યાં નાના ઉત્પાદકો છે, જો તેઓને યોગ્ય સમર્થન મળે તો તેઓ વિશ્વભરમાં તેમના ઉત્પાદનો વેચી શકે છે જેથી કરીને વિશ્વ માત્ર આપણી મીઠાઈઓ જ નહીં, બલ્લારીના જીન્સ, મેઘાલયના અનાનસનો પણ આનંદ માણી શકે, બિહારના મખાના, મુરાદાબાદના પિત્તળના વાસણો અને ઘણું બધું. બનારસી સાડીઓની વૈશ્વિક સફળતા એ તેનું ઉત્તમ ઉદાહરણ છે.”
આ પણ વાંચો : હિમાચલ, કર્ણાટક અને તેલંગણામાં કોંગી સરકારો નાણાકીય કટોકટીમાં: કિશન રેડ્ડી
રાહુલ ગાંધીએ આગળ લખ્યું, “ભારતને ઝડપી આર્થિક વૃદ્ધિની જરૂર છે જે દરેકને લાભ આપે, અને વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરી શકે તેવી વધુ ઉત્પાદક અર્થવ્યવસ્થાની પણ જરૂર છે. આ ફક્ત આપણા નાના ઉદ્યોગોને સશક્ત કરીને જ કરી શકાય છે, મોદીજીની જેમ કેટલીક ક્રોની કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને નહીં, આ પ્રકારની સર્વસમાવેશક વૃદ્ધિ એ લાખો ઔપચારિક નોકરીઓનું સર્જન કરવાનો એકમાત્ર રસ્તો છે જેની ભારતને યુવા, શિક્ષિત અને ઊર્જાસભર પેઢીની આકાંક્ષાઓ પૂરી કરવા અને ભારતના ભવિષ્યને સુરક્ષિત કરવાની જરૂર છે.”
તેમણે લખ્યું કે, “ભાજપે હરિયાણા અને ભારતમાં અર્થવ્યવસ્થાને બરબાદ કરી છે. તેઓએ કરોડો લોકોને અનૌપચારિક નોકરીઓમાં ધકેલ્યા છે અને નાના વ્યવસાયોને બરબાદ કર્યા છે અને લાખો લોકોને ભારત છોડવા મજબૂર કર્યા છે. તેમનો એક માત્ર રસ અદાણી દ્વારા મોટો નફો કરવામાં છે. હરિયાણાના લોકો સમજે છે.”
ગોહાનામાં એક રેલીને સંબોધતા, રાહુલ ગાંધીએ પ્રખ્યાત જલેબી ઉત્પાદક માતુરામ હલવાઈનું એક બોક્સ બતાવ્યું અને ભાર મૂક્યો કે તેમની જલેબી દેશભરમાં વેચાવી જોઈએ અને વધુ રોજગારની તકો ઊભી કરવા માટે નિકાસ કરવી જોઈએ. જો તેની (માતુરમની) જલેબી અન્ય રાજ્યોમાં વેચવામાં આવે અને તેની નિકાસ પણ થાય, તો એક દિવસ તેની ફેક્ટરીમાં 20,000-50,000 વધુ લોકો કામ કરતા હશે.”
તેમણે વર્તમાન સરકારની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે મોટા ઉદ્યોગપતિઓ, ખાસ કરીને અંબાણી અને અદાણીને લોન મળી રહી છે, જ્યારે નાના ઉદ્યોગો, જેમ કે “જલેબી ફેક્ટરીઓ” ને આર્થિક મદદ મળી રહી નથી.