નેશનલ

રાજસ્થાનમાં BJP ધારાસભ્ય કંવરલાલ મીણાની સદસ્યતા રદ, કોંગ્રેસે ‘સત્યમેવ જયતે’ ગણાવ્યું…

જયપુર: રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય કંવરલાલ મીણાની વિધાનસભા સદસ્યતા રદ કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ આજે આ નિર્ણય જારી કર્યો હતો. અંતા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય મીણાને એક જૂના કેસમાં હાઈકોર્ટે ત્રણ વર્ષની સજા સંભળાવી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે પણ રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

વિધાનસભા અધ્યક્ષે તેમની સદસ્યતા સમાપ્ત કરવાનો નિર્ણય
મળતી વિગતો અનુસાર લગભગ ૨૦ વર્ષ જૂના એક કેસમાં તેમની દોષસિદ્ધિ અને આ મહિનાની શરૂઆતમાં આત્મસમર્પણ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બારાં જિલ્લાની અંતા બેઠક પરથી ધારાસભ્ય રહેલા કંવરલાલ મીણાએ આ મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તેમને રાહત મળી ન હતી. સુપ્રીમ કોર્ટે તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષે તેમની સદસ્યતા સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો

શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે કંવરલાલ મીણાને ૨૦૦૫ના એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તે સમયે ઉપ સરપંચની ચૂંટણી દરમિયાન તેમણે કથિત રીતે એક SDM પર રિવોલ્વર તાણી દીધી હતી અને બાદમાં ઘટનાની વિડીયો રેકોર્ડિંગવાળી કેસેટ પણ તોડી નાખી હતી. આ કેસમાં અકલેરાની સ્થાનિક અદાલતે ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ મીણાને સરકારી કામમાં અવરોધ ઊભો કરવા, સરકારી અધિકારીઓને ધમકાવવા અને સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ દોષિત ઠેરવીને ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી હતી. રાજસ્થાન હાઈકોર્ટે પણ આ સજાને યથાવત રાખી હતી.

કોંગ્રેસે કહ્યું “સત્યમેવ જયતે”
આ મુદ્દે કોંગ્રેસે ભાજપને નિશાન બનાવી હતી. રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ ‘X’ પર લખ્યું, “સત્યમેવ જયતે. કોંગ્રેસ પાર્ટીના ભારે દબાણ અને નેતા પ્રતિપક્ષ ટીકારામ જુલી જી દ્વારા હાઈકોર્ટમાં ‘કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ’ની અરજી દાખલ કર્યા બાદ આખરે ભાજપના સજા પામેલા ધારાસભ્ય કંવરલાલની સદસ્યતા રદ કરવી પડી. લોકતાંત્રિક વ્યવસ્થામાં બંધારણ સર્વોપરી છે. કોંગ્રેસ પાર્ટી આ વાત વારંવાર RSS-BJP ના નેતાઓને જણાવતી રહેશે અને તેમને બંધારણ મુજબ કામ કરવા માટે મજબૂર કરશે.”

આપણ વાંચો : PM નરેન્દ્ર મોદીએ 26 હજાર કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી આપી, 103 અમૃત ભારત સ્ટેશનોનું ઉદ્ઘાટન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button