રાજસ્થાનમાં ધર્માંતરણ વિરોધી બિલ પસાર થતાં ભાજપના MLAએ કોંગ્રેસના ધારાસભ્યોને ‘ઘર વાપસી’નું આમંત્રણ આપ્યું

જયપુર: રાજસ્થાનમાં જબરજસ્તી ધર્માંતરણ અટકાવવા માટેનો ધર્માંતરણ વિરોધી બિલ રાજ્યની વિધાનસભામાં પસાર થઈ ગયું છે. પોતાના મૂળ ધર્મમાં પાછા ફરવાને ધર્માંતરણ નહીં ગણવાની જોગવાઈ ચર્ચાનો વિષય બની છે. બિલની આ જ જોગવાઈને જોતા વિધાનસભાની અંદર જ ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માએ કોંગ્રેસના બે ધારાસભ્ય રફીક ખાન અને અમીન કાગજીને તેમના મૂળ ધર્મમાં પાછા ફરવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
ભારે હોબાળા અને ધમાલ વચ્ચે બિલ પસાર થયું
ઉલ્લેખનીય છે કે મંગળવારે વિધાનસભામાં ભારે હોબાળા અને ધમાલ વચ્ચે રાજસ્થાન વિધિ વિરુદ્ધ ધર્માંતરણ પ્રતિષેધ વિધેયક 2025 પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં જબરજસ્તી ધર્માંતરણ અટકાવવાની જોગવાઈ છે, અને સાથે જ કોઈ વ્યક્તિને પોતાના મૂળ ધર્મમાં પાછા ફરવાની તક પણ મળશે. મૂળ ધર્મમાં પાછા ફરવાને જબરજસ્તી ધર્માંતરણ ગણવામાં આવશે નહીં.
મૂળ તરફ પાછા ફરવાનું આમંત્રણ
વિધાનસભા ભવનની બહાર ધારાસભ્ય ગોપાલ શર્માને આ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું, મેં માત્ર રફીક ખાન અને અમીન કાગજીને જ મૂળ ધર્મમાં પાછા ફરવાનું આમંત્રણ નથી આપ્યું, પરંતુ મેં વગેરે અને અન્ય જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. રફીક ખાન કાયમખાની એટલે કે કન્વર્ટેડ મુસ્લિમ છે, આથી વિધાનસભાની અંદર અને બહાર તેમને મૂળ ધર્મમાં પાછા ફરવાનું આમંત્રણ મળવાનો અર્થ એ જ હતો કે તેઓ ફરીથી પોતાના મૂળ તરફ પાછા ફરે.
ગોપાલ શર્માનો મૂળ ધર્મ કયો?
જો કે જ્યારે રફીક ખાનને તેમને મૂળ ધર્મમાં પરત ફરવાના મુદ્દે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ શર્મા મૂળ તરફ પરત ફરવાની વાત કરે છે, પરંતુ મૂળ ધર્મની વાત કરી તો ગોપાલ શર્માનો મૂળ ધર્મ કર્યો છે? આ સાથે જ રફીક ખાને એમ પણ કહ્યું જો ગોપાલ શર્મા કાલે કહેશે કે માનવ ઉત્પતિ કઈ રીતે થઈ? જે રીતે ઉત્પતિ થઈ એ રીતે રહેવા લાગો તો એ વાત સંભવ નથી.
આ પણ વાંચો….રાજસ્થાનમાં એનઆઈએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત અન્ય ગેંગો પર કાર્યવાહી કરી