Maneka Gandhi માટે પ્રચાર કરવા નથી આવ્યા શાહ કે મોદી
લખનઉઃ મૂળ કૉંગ્રેસ પરિવારની વહુ અને ભાજપનાં નેતા મેનકા ગાંધી હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. મેનકા ગાંધીનાં પુત્ર વરુણ ગાંધીને પીલીભીતથી ઉમેદવારી ન મળતા નારાજગી ચાલી રહી હતી, પરંતુ મેનકા હાલમાં પોતાનો ગઢ બચાવવા મહેનત કરી રહ્યા છે. આ મહેનત મોટેભાગે મેનકાએ એકલા હાથે કરવી પડી છે કારણ કે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સભા માટે આવ્યા નથી. 2019માં શાહ તેમનાં પ્રચાર માટે આવ્યા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી તેમના પ્રચાર માટે આવ્યા હતા.
મેનકા પોતાના પ્રચારમાં રામ મંદિરનો ઉલ્લેખ વધારે ન કરતા હોવાનું પણ જાણમાં આવ્યું છે. આ વખતે તે સુલતાનપુર બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. મેનકાની આ ચૂંટણી લડાઈ એટલા માટે પણ રસપ્રદ છે કારણ કે તેમનાં પુત્ર અને યુપીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને પીલીભીતના સાંસદ વરુણ ગાંધીને ચૂંટણી મેદાનથી દૂર રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પોતાનો રાજકીય વારસો જાળવી રાખવા માટે મેનકા ગાંધીએ ફરીથી પોતાનો કિલ્લો જીતવો પડશે.
સુલ્તાનપુરની આ સીટ પર લગભગ 17 ટકા મુસ્લિમ મતદારો છે, અહીં 25 મેના રોજ મતદાન થવાનું છે. એવું માનવામાં આવે છે કે મુસ્લિમ મતદારોની આ સંખ્યાને કારણે મેનકા ગાંધીના ચૂંટણી પ્રચારમાં રામ મંદિરનો કોઈ ઉલ્લેખ નથી. રસપ્રદ વાત એ પણ છે કે સુલતાનપુરથી અયોધ્યાનું અંતર 1 થી 1.5 કલાકનું છે.
પોતાના ચૂંટણી પ્રચાર અંગે મેનકાએ પોતે કહ્યું છે કે તેણે રામ મંદિરને મુદ્દો બનાવ્યો નથી, તે કહે છે કે તે મોટાભાગે તેના કામની વાત કરે છે. મેનકાએ 2019 માં સુલતાનપુરથી સ્થાનિક પ્રભાવશાળી નેતા ચંદ્ર ભદ્ર સિંહ સામે લગભગ 14,000 મતોના માર્જિનથી જીત મેળવી હતી.