₹1.40 કરોડનું દેવું માફ કરાવવા ભાજપ નેતાના પુત્રએ રચ્યો પોતાના મોતનો ડ્રામા! પણ પોલીસે ઝડપી પાડ્યો…

ભોપાલ: મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક ભાજપ નેતાના પુત્રએ કરોડોનું દેવું ચૂકવવાથી બચવા માટે પોતાના મૃત્યુનું ખોટું નાટક રચ્યું હતું. પોલીસે આ ષડયંત્રનો પર્દાફાશ કરીને આરોપીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી હતી.
ઘટનાની વિગતો મુજબ, થોડા દિવસ પહેલાં સ્થાનિક ભાજપ નેતા મહેશ સોનીના પુત્ર વિશાલ સોનીને શોધવા માટે કાળીસિંધ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ, વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમો દસ દિવસ સુધી નદીમાં તેની શોધ કરતી રહી, જ્યારે તે મહારાષ્ટ્રમાં છુપાયેલો હતો.
પોલીસને નદીમાંથી મળી આવી કાર
મળતી વિગતો અનુસાર આ સમગ્ર નાટકની શરૂઆત 5 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. પોલીસને વિગતો મળી હતી કે કાળીસિંધ નદીમાં એક કાર ડૂબી ગઈ છે અને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને કારને બહાર કાઢી હતી પરંતુ તે ખાલી હતી.
કાર ભાજપ નેતાના પુત્ર વિશાલ સોનીની હોવાનું બહાર આવતાં, મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વિશાલના પિતાએ બેદરકારીના આક્ષેપો કર્યા બાદ પોલીસની ત્રણ અલગ-અલગ ટીમો બે અઠવાડિયા સુધી નદીમાં તેની શોધ કરતી રહી.
મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની મળી બાતમી
જોકે, આઠ દિવસ પછી પણ કોઈ કડી ન મળતાં અંતે પોલીસને શંકા ગઈ હતી. પોલીસ અધિકારીએ વિશાલના મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડની તપાસ કરી હતી અને તેમાં જાણવા મળ્યું હતું કે તે મહારાષ્ટ્રમાં છે. મધ્ય પ્રદેશ પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી તરત કાર્યવાહી કરીને વિશાલને શંભાજીનગર જિલ્લાના ફરદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
દેવું માફ કરાવવા નાટક રચ્યું
પોલીસની તપાસમાં વિશાલે કબૂલ્યું હતું કે તેના પર 1.40 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, મને કહેવામાં આવ્યું હતું કે જો મને મૃત્યુ પ્રમાણપત્ર મળી જશે, તો બેંકનું દેવું માફ કરી દેવામાં આવશે. આ યોજના હેઠળ, 5 સપ્ટેમ્બરે તેણે તેની કાર નદીમાં ધકેલી દીધી અને ડ્રાઈવરની બાઈક પર બેસીને ઈન્દોર ભાગી ગયો હતો.
ત્યાંથી તે શિરડી અને શનિ શિંગણાપુર ગયો હતો. જ્યારે વિશાલને ખબર પડી કે પોલીસને તેની ભાળ મળી ગઈ છે, ત્યારે તેણે પોતાના કપડાં ફાડી, ધૂળમાં આળોટી અને ફરદાપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ખોટી ફરિયાદ નોંધાવીને અપહરણનો ડ્રામા કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો…મહાત્માનું અપમાન! બિહારમાં બાપુની પ્રતિમા માથે ભાજપની ટોપી, હાથમાં કમળનો ઝંડો