ભાજપના નેતા રવિશંકર પ્રસાદનો ટોણો, કહ્યું- કોણ છે આ રાહુલ ગાંધી?
પટના: સંસદસભ્ય અને ભાજપના જ્યેષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. રવિશંકરે કહ્યું હતું કે તે રોજ એક કે બીજી વાતો કર્યા કરતા હોય છે. કોણ છે આ રાહુલ ગાંધી? મધ્ય પ્રદેશની ચૂંટણી દરમિયાન તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવશે. આપણે બધા જાણીએ છીએ કે શું થયું.
રવિશંકરે કહ્યું હતું કે, રાહુલે છત્તીસગઢની ચૂંટણી વખતે પણ આવું જ નિવેદન આપ્યું હતું અને ગઈ લોકસભાની ચૂંટણી વખતે પણ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે કેવા નિવેદનો કર્યા હતા, શું દરેક વખતે જવાબ આપવો જોઈએ?
રવિશંકરે આ પહેલાં કોંગ્રેસ પર નિશાન તાકતાં કહ્યું હતું કે કોંગ્રેસે રાજ્યોમાં 90 વખત રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું, જેમાંથી એકલા ઈન્દિરા ગાંધીએ 50 વખત રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. યુપી, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સરકારો પડી ભાંગી હતી. કોંગ્રેસે દેશમાં ઈમરજન્સી લાદી હતી. તે સમયે લાલુ યાદવ પણ જેલમાં હતા, પરંતુ આજે તેઓ પણ કહેતા રહે છે કે બંધારણ ખતરામાં છે.
આપણ વાંચો: કૉંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવાના આરોપો પર રવિશંકર પ્રસાદે આપી સ્પષ્ટતા
રવિશંકરે બંધારણ વિશે વિગતવાર વાત કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને આરજેડીના લોકો કહે છે કે જો ભાજપ આવશે તો બંધારણ બદલી નાખશે. એનડીએ સરકાર 10 વર્ષથી સત્તામાં છે, પરંતુ બંધારણને સ્પર્શ કરવામાં આવ્યો નથી.
રવિશંકરે ત્રિપલ તલાક નાબૂદ કરવાની સિદ્ધિ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે દલિત સમુદાયના રામનાથ કોવિંદ અને આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. બંધારણ શાશ્ર્વત છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના કારણે જ તે અસુરક્ષિત છે.
રવિશંકરે પણ અનામતની વાત કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ હંમેશા અનામતના પક્ષમાં છે. એસસી, એસટી અને ઓબીસી માટે અનામત રહેશે. બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ વાત કરવામાં નથી.
તેમણે એમ પણ કહ્યું કે બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે ધર્મના આધારે અનામત હોવી જોઈએ. આજે જે પણ યોજનાઓ બનાવવામાં આવે છે, તે દરેક માટે બનાવવામાં આવે છે અને કોઈ એક ધર્મ કે જાતિને ધ્યાનમાં લેવામાં આવતી નથી.