નેશનલ

દીકરી અને સાંસદ બાંસુરી આ રીતે યાદ કર્યા મજબૂત મહિલા નેતા સુષ્મા સ્વરાજને તેમની પુણ્યતિથિએ

નવી દિલ્હીઃ વિશ્વના કોઈપણ ખૂણામાં રહેતો કે પ્રવાસ કરતો ભારતીય જો કોઈ મુસિબતમાં આવે તો તેણે બીજું કંઈ નહીં કરવાનું, માત્ર એક ટ્વીટ કરી નાખવાનું. તેને જોઈતી મદદ કે માહિતી પહોંચી જશે અને ઘર-પરિવારનો અધ્ધરતાલ શ્વાસ હેઠો બેસી જશે. આ વાત આજથી પાંચ વર્ષ પહેલા દરેક ભારતીય જાણતો હતો અને માનતો પણ હતો કારણ કે ભારતના દુતાવાસનો હવાલો જેમની પાસે હતો જે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ કામ કરી બતાવ્યું હતું. આજે તેમની પુણ્યતિથિ છે. વિશ્વમાં ચોમેર અશાંતિ અને અરાજકતા છે ત્યારે વિદેશ પ્રધાન તરીકે આ મજબૂત મહિલાને સૌ કોઈ યાદ કરે છે.

નાનું કદ, સાદી સાડી અને સેથીમાં લાલચટક સિંદુર ભરેલી આમ ભારતીય મહિલા લાગતાં આ રાજકારણી વિવાદોથી દૂર રહ્યા અને ભાજપ પક્ષને રાષ્ટ્રીય સ્તરે ઊંચો લાવવામાં સિંહફાળો આપ્યો.

સુષ્મા સ્વરાજની પુત્રી અને દિલ્હીની ભાજપની સાંસદ બાંસુરી સ્વરાજે આજે એક પેડ માં કે નામ યોજના હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. ભાવુક થયેલી બાંસુરીએ કહ્યું કે આજથી પાંચ વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ મારી પાસેથી મારી માતાને છીનવી લીધી હતી. અમુક દુઃખ એવા હોય છે જેની ભરપાઈ ક્યારેય થઈ શકતી નથી. તેણે એમ પણ કર્યું કે અમે વીર સાવરકર પાર્કમાં 21 વૃક્ષ વાવ્યા છે.

સુષ્મા રાજકારણથી પર ઉઠ્યા હતા એટલે તેમણે જનમાનસ પર અમિટ છાપ છોડી હતી. તેમની 41 વર્ષની રાજકીય કારકિર્દી અનેક સિદ્ધિઓથી ભરેલી હતી. સુષ્મા સ્વરાજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને શક્તિશાળી વક્તા હતા. સુષ્મા સ્વરાજનું 6 ઓગસ્ટે અવસાન થયું હતું. છઠ્ઠી ઑગસ્ટ, 2019ના રોજ તેમમે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન યુદ્ધ દરમિયાન ફસાયેલા હતા ત્યારે તેમની એક ટ્વિટ વાયરલ થઈ હતી. જેમાં એમ લખવામાં આવ્યું હતું કે જો કોઈ ભારતીય મંગળ પર ફસાઈ જાય તો પણ વિદેશ મંત્રાલય તેને સુરક્ષિત લાવવાની ખાતરી આપે છે. ઓપરેશન રાહત, ઓપરેશન સંકટમોચક ખૂબ જ સફળ અભિયાન રહ્યા, જે તેમની ક્ષમતાની પ્રતીતિ કરાવે છે.
તેમની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાસુમન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button