હવે તો ભાજપ નેતાએ ‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મને બેન કરવાની માંગ કરી, જાણો આની પાછળનું કારણ

નવી દિલ્હી: અભિનેતા પરેશ રાવલ અભિનીત ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ દિવસેને દિવસે વિવાદોમાં ઘેરાઈ રહી છે. ફિલ્મનું પહેલું પોસ્ટર આવ્યું ત્યારથી તેનો વિરોધ થઈ રહ્યો છે. જોકે, હવે તો આ ફિલ્મનો વિરોધ ભાજપના જ એક નેતાએ કર્યો છે. ભાજપના આ નેતા કોણ છે અને તેઓ ‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મનો વિરોધ કેમ કરી રહ્યા છે? આવો જાણીએ.
ભાજપના નેતાની PIL પર આધારિત ફિલ્મ
અયોધ્યાના નિવાસી એવા ભાજપ નેતા રજનીશ સિંહે માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC)માં ફરિયાદ દાખલ કરીને ‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. ભાજપના પ્રવક્તા રજનીશ સિંહે દાવો કર્યો છે કે, ફિલ્મની વાર્તા એ જ વિષય પર આધારિત છે, જેના માટે તેમણે ઓક્ટોબર 2022માં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી.
રજનીશ સિંહે કરેલી અરજીમાં, તાજમહેલની અંદરના 22 બંધ રૂમો ખોલવાની માંગ કરવામાં આવી હતી. રજનીશ સિંહની અરજીનો હેતુ આ સ્મારક મૂળરૂપે એક મંદિર હતું કે કેમ તેની ઐતિહાસિક તથ્યોની ચકાસણી થઈ શકે. તે માટેનો હતો. જોકે, મે 2022માં હાઈકોર્ટે તેમની આ અરજીને ફગાવી દીધી હતી.
ફિલ્મ ધાર્મિક લાગણીને ઉશ્કેરશે
રજનીશ સિંહે આરોપ લગાવ્યો છે કે, ‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મના પોસ્ટરો, પ્રમોશનલ સામગ્રી અને તેની વાર્તા તેમની પરવાનગી વિના અને “ભ્રામક” રીતે ન્યાયિક વિષય અને અરજીનો સંદર્ભ આપે છે. રજનીશ સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “આ મારા બૌદ્ધિક અને કાનૂની અધિકારોનું ઉલ્લંઘન છે. ન્યાયિક બાબતનો વ્યાવસાયિક ઉપયોગ પણ અયોગ્ય છે.”
રજનીશ સિંહે CBFC અને મંત્રાલયને તાત્કાલિક ધોરણે ફિલ્મના સેન્સરશીપની પ્રક્રિયા અને જાહેર પ્રદર્શનને રોકવાની માંગ કરી છે. તેમણે દલીલ કરી છે કે, “આવી ફિલ્મનું પ્રદર્શન માત્ર ન્યાયિક પ્રક્રિયાને અસર પહોંચાડશે અને સાથોસાથ બિનજરૂરી રીતે સામાજિક અને ધાર્મિક લાગણીઓને પણ ઉશ્કેરશે.” આ સાથે રજનીશ સિંહે ફિલ્મની સ્ક્રિપ્ટ અને વાર્તાની તપાસ કરવાની પણ માંગ કરી છે.



