‘ભાજપ નરેન્દ્ર મોદીની પૂજા કરતો સંપ્રદાય બની ગયો છે’, કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમએ આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: લોકસભા ચુંટણી 2024(Loksabha Election)માં ભાજપ પ્રચાર માટે વડા પ્રધાન મોદી(PM Modi)ના ચહેરાનો મહતમ ઉપયોગ કરી રહી છે. સ્થનિક સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધીની કોઈ પણ જાહેરાતમાં વડા પ્રધાનની તસ્વીર ચોક્કસ પણે જોવા મળી રહી છે. એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે ભાજપ અને વડા પ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.
પી.ચિદમ્બરમે કહ્યું કે ભગવો પક્ષ હવે રાજકીય પક્ષ નથી રહ્યો પરંતુ એક સંપ્રદાય બની ગયો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પૂજા કરે છે. મોદી સરકાર પર નિશાન સાધતા ચિદમ્બરમે કહ્યું કે મોદી શાસનના 10 વર્ષમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને ઠેસ પહોંચી છે. આ સથે તેમણે તેમણે લોકોને લોકશાહીને પુનર્જીવિત કરવા અપીલ કરી હતી.
પી.ચિદમ્બરમે ખાતરી આપી હતી કે કોંગ્રેસના ઢંઢેરામાં ઉલ્લેખ ન હોવા છતાં, જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો વિવાદાસ્પદ CAA ને રદ કરવામાં આવશે. ચિદમ્બરમે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ઈન્ડિયા ગઠબંધન તમિલનાડુની તમામ 39 સીટો અને પોંડિચેરીની એક સીટ પર જીત મેળવશે.
પી.ચિદમ્બરમે કહ્યું કે ભાજપે 14 દિવસમાં મેનિફેસ્ટો તૈયાર કર્યો, જેનું શીર્ષક મેનિફેસ્ટો નથી. ભાજપે તેને મોદીની ગેરંટી નામ આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ હવે રાજકીય પક્ષ નથી રહ્યો. ભાજપ એક સંપ્રદાય બની ગયો છે અને આ સંપ્રદાય નરેન્દ્ર મોદીની પૂજા કરે છે. મોદીની ગેરંટી દરેકને એ દેશોની યાદ અપાવે છે જ્યાં પંથ પૂજા થતી હતી. ભારતમાં પંથ પૂજાએ જોર પકડવાનું શરૂ કર્યું છે અને આ સરમુખત્યારશાહી તરફ દોરી જશે.
તેમણે આરોપ લગાવ્યો કે મોદી શાસનના 10 વર્ષ દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ગંભીર સેન્સરશિપ લગાવવામાં આવી છે. ચિદમ્બરમે કહ્યું, “જો મોદી ત્રીજી વખત સત્તામાં આવશે તો, તો તેઓ બંધારણ બદલી શકે છે… આપણે લોકશાહી પુનઃસ્થાપિત કરવી પડશે.”