હરિયાણા ભાજપમાં બબાલઃ 8 નેતા સામે કાર્યવાહી, પક્ષમાંથી હકાલપટ્ટી કરી…
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પાર્ટીના નેતાઓ સામે આક્રમક કાર્યવાહી કરી છે. પાર્ટીના આઠ નેતાને છ વર્ષ માટે હકાલપટ્ટી કરવામાં આવી છે. આ નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. છ નેતામાં પૂર્વ પ્રધાન રણજીત ચૌટાલા અને પૂર્વ વિધાનસભ્ય દેવેન્દ્ર કાદયાનના નામનો પણ સમાવેશ થાય છે.
હરિયાણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશપ્રમુખ મોહનલાલ બડૌલીએ આઠ નેતાઓ સામે કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું. પાર્ટીના અધિકૃત ઉમેદવારોની સામે અપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા આ નેતાઓને છ વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
પાર્ટીએ જે નેતાઓ સામે કાર્યવાહી કરી છે, જેમાં લાડવાથી સંદીપ ગર્ગ, અસંધથી જિલેરામ શર્મા, ગન્નોરથી દેવેન્દ્ર કાદયાન, સફીદોથી બચ્ચન સિંહ આર્ય, રાનિયાથી રણજીત ચોટાલા, મહમથી રાધા અહલાવત, ગુરુગ્રામથી નવીન ગોયલ અને હથીનથી કેહર સિંહ રાવતના નામનો સમાવેશ થાય છે.
મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીની કેબિનેટમાં ઊર્જા મંત્રી રહી ચૂકેલા રણજીતસિંહ ચૌટાલાને ટિકિટ કાપવામાં આવી હતી, ત્યાર બાદ તેમણે રનિયાથી અપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, તેથી પાર્ટીએ તેમના સામે કાર્યવાહી કરતા છ વર્ષ માટે હકાલપટ્ટી કરવામાં આવી છે.