સોને કી ચેન લેજા રે… પર વોટ દે જા રે… ભાજપ સોનાની ચેનની વહેચણી કરતી હોવાનો કેજરીવાલનો આક્ષેપ

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાન સભાની ચૂંટણી આડે હવે થોડા દિવસો જ રહ્યા છે અને આચાર સંહિતા પણ લાગુ થઇ ગઇ છે. એવામાં પક્ષ અને વિપક્ષ એકબીજા પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. હાલમાં જ કેજરીવાલે ભાજપ પર વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે લોકોને સોનાની ચેન, સાડી, ધાબળા વગેરેનું વિતરણ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
ચૂંટણી આવે એટલે દરેક પક્ષો લોકોને રિઝવવા માટે અનેક વાયદા, વચનો, ભેટ સોગાદોની લહાણી કરતા હોય છે. આવી પરંપરા ઘણા સમયથી ચાલી આવી રહી છે.
હવે દિલ્હીની ચૂંટણી આવતા પહેલા આમ આદમી પાર્ટીના નેશનલ કન્વેનર અરવિંદ કેજરીવાલે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે દિલ્હીની કોલોનીઓમાં સોનાની ચેન અને અન્ય ચીજોનું વિતરણ કર્યું છે.
આપણ વાંચો: ‘…તો હું ચૂંટણી નહીં લડું.’ અરવિંદ કેજરીવાલે ભાજપ અને અમિત શાહને પડકાર ફેંક્યો
તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં લોકોને કોઇ પણ સંજોગોમાં આવી ભેટસોગાદોથી પ્રેરાઇને તેમના મત નહીં ભાજપને નહીં આપવા માટે અપીલ કરી હતી.
કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે ભાજપે દિલ્હીની કોલોનીઓમાં સોનાની ચેન આપવા માંડી છે. ભાજપે દિલ્હી માટે મુખ્ય પ્રધાન પદના ચહેરાની કોઇ જાહેરાત કરી નથી.
ભાજપનું દિલ્હી માટેનું કોઇ વિઝન નથી કે દિલ્હીને કેવી રીતે વિકાસ કરવો, એમ જણાવતા કેજરીવાલે દિલ્હીના લોકોને અપીલ કરી હતી કે જો આપ પાર્ટીનો પણ કોઇ ઉમેદવાર પૈસાને બદલે વોટ માગે તો તેને મત નહીં આપે.
આપણ વાંચો: BJP VS AAP: કેજરીવાલે હવે પીએમ મોદી પર વળતો કર્યો પ્રહાર, 29 મિનિટ આપી ગાળો..
કેજરીવાલે જણાવ્યું હતું કે તેઓ અહીં ચૂંટણી જીતવા કે હારવા માટે નથી રાજનીતિમાં આવ્યા, પરંતુ દેશમાં પરિવર્તન લાવવા માટે રાજનીતિમાં આવ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ તેમને ખાતરી થતી જાય છે કે દિલ્હીને ફક્ત AAP જ સ્થિર સરકાર આપી શકે એમ છે.
નોંધનીય છે કે દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીના રોજ વિધાન સભાની ચૂંટણી છે અને 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. સાલ 2015 અને 2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં AAPને અનુક્રમે 67 અને 62 સીટ મળી હતી, જ્યારે ભાજપને અનુક્રમે 3 અને 8 બેઠક મળી હતી. આ બંને ચૂંટણીમાં કૉંગ્રેસ તેનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી હતી.