પંજાબમાં ભાજપની એકલા ચાલોની નીતિ, અકાલી દળ સાથે ગઠબંધન નહીં
નવી દિલ્હીઃ પંજાબના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરે જાહેરાત કરી હતી કે પાર્ટી પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે અને શિરોમણી અકાલી દળ (SAD) સાથે ગઠબંધન નહીં કરે. “આ નિર્ણય રાજ્યના લોકો અને પાર્ટીના કાર્યકરોના અભિપ્રાયના આધારે લેવામાં આવ્યો છે. આ નિર્ણય ખેડૂતો અને વેપારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સિદ્ધિઓ દરેક જણ જાણે છે. છેલ્લા એક દાયકામાં, ભાજપે ખાતરી કરી છે કે ખેડૂતોની ઉપજ લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવે,” એમ જાખરે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. પંજાબમાં 13 બેઠક માટે 1 જૂનના રોજ મતદાન થશે.
એસએડી એ ભાજપના સૌથી જૂના સાથી પક્ષોમાંનું એક હતું. જો કે, SAD એ સપ્ટેમ્બર 2020 માં કૃષિ કાયદાઓ મુદ્દે (જે હવે રદ થઇ ગયા છે) NDA સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં, SAD અને BJPએ સાથે મળીને ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવામાં અસમર્થ રહ્યા હતા. સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં જોવા મળેલ ભાજપ તરફી લહેર પંજાબમાં જોવા મળી નહોતી. અહીં કોંગ્રેસે આઠ બેઠકો, ભાજપે બે બેઠક, SADએ બે બેઠક અને AAPએ એક બેઠક મેળવી હતી.