બિહારના નવા મંત્રીમંડળમાં 14 પ્રધાનો સાથે ભાજપનો દબદબો, નીતિશની પાર્ટીના કેટલા મંત્રી?

પટણા: જનતા દળ (યુનાઇટેડ)ના અધ્યક્ષ નીતીશ કુમારે આજે (20 નવેમ્બર) રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે કુલ 26 નેતાઓને પ્રધાન બનાવવામાં આવ્યા છે. નીતીશ કુમાર પછી તરત જ સમ્રાટ ચૌધરીએ શપથ લીધા, જેમને ફરીથી ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
ત્રીજા નંબરે વિજય સિંહાએ શપથ લીધા, જેઓ પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપશે. અગાઉની સરકારમાં પણ આ બંને નેતાઓ ડેપ્યુટી સીએમ હતા અને તેમને ફરી તક મળવાથી સ્પષ્ટ થાય છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ તેમના કામકાજને મંજૂરી આપી છે. આ પ્રધાન મંડળમાં શ્રેયસી સિંહ જેવી ધારાસભ્ય પણ છે, જેઓ પ્રથમ વખત પ્રધાન બન્યા છે.
નીતીશ કુમારે ભલે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હોય, પરંતુ આ વખતે સત્તાનું સંતુલન બદલાયેલું જોવા મળે છે.બિહાર મંત્રીમંડળ અત્યાર સુધી સરકારમાં જુનિયર પાર્ટનરની ભૂમિકામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ના આ વખતે સૌથી વધુ 14 મંત્રીઓ છે, જ્યારે નીતીશ કુમારની પાર્ટી JDUના ફાળે માત્ર 8 જ મંત્રીઓ આવ્યા છે.
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ નવી સરકારમાં ભાજપના નેતૃત્વએ મજબૂતીથી પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને પોતાના સૌથી વધુ મંત્રીઓ બનાવવામાં સફળતા મેળવી છે, જે ગઠબંધનમાં ભાજપના વધેલા પ્રભાવને દર્શાવે છે.
મંત્રીઓની સંખ્યા ઉપરાંત, ભાજપને આ ગઠબંધનમાં બે અન્ય મહત્ત્વપૂર્ણ ફાયદા મળ્યા છે. પ્રથમ, વિધાનસભા અધ્યક્ષનું પદ પણ ભાજપના જ ફાળે જવાની સંભાવના છે. બીજો મોટો ફાયદો એ છે કે ભાજપ બે નાયબ મુખ્યમંત્રી પદ જાળવી રાખવામાં સફળ રહી છે.
અગાઉ એવી ચર્ચા હતી કે નીતીશ કુમાર બે ડેપ્યુટી સીએમ બનાવવાના પક્ષમાં નથી, ત્યારે આ માંગણી સ્વીકારવી તે ભાજપ માટે એક મોટી રાજકીય જીત માનવામાં આવે છે. આમ, આ નવું પ્રધાન મંડળ નીતીશ કુમારની મુખ્ય પ્રધાન તરીકેની દસમી ઇનિંગ્સની સાથે બિહારમાં ભાજપના મજબૂત થયેલા પ્રભાવને પણ સ્પષ્ટપણે દર્શાવે છે.
આ પણ વાંચો…નીતીશ કુમારે 10મી વખત બિહારના CM તરીકે શપથ લીધા; સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા બન્યા ડેપ્યુટી CM



