કેરળના સબરીમાલા મંદિરમાં સોનું ગાયબ થવા મુદ્દે પીએમ મોદીને હસ્તક્ષેપ કરવા ભાજપની માંગ

તિરુવનંતપુરમ : કેરળના સબરીમાલા મંદિરમાં વિજય માલ્યા દ્વારા આપવામાં આવેલા સોનું ગાયબ થવાના મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. આ અંગે કેરળ હાઈકોર્ટે સુઓમોટો લીધા બાદ તેના તપાસના આદેશ આપ્યા છે. ત્યારે કેરળ ભાજપે એક કરોડ સહી અભિયાનની શરુઆત કરી છે. આ મુદ્દે વડાપ્ર્ધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
સોનાના વિવાદને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયાસ
આ અંગે કેરળ ભાજપે સોમવારે સબરીમાલા સોનાના વિવાદને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયાસ શરુ કર્યો છે. જેમાં પાર્ટીએ અયપ્પા ભક્તો પાસેથી એક કરોડ સહીઓ એકત્રિત કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સીધો હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી છે. આ ઝુંબેશ મલયાલમ મહિના વૃશ્ચિકમના પહેલા દિવસે શરૂ થઈ હતી. જે દિવસે સબરીમાલાની વાર્ષિક યાત્રા શરૂ થાય છે. આ અભિયાનની શરુઆત ભાજપના રાજ્ય મહાસચિવ એસ. સુરેશ દ્વારા તિરુવનંતપુરમના પ્રખ્યાત પઝવંગડી ગણપતિ મંદિરની સામે કરવામાં આવી હતી.
મંદિરને નુકસાન પહોંચાડવાના મોટા કાવતરાનો એક ભાગ
આ અભિયાન અંગે ભાજપના રાજ્ય મહાસચિવ એસ. સુરેશે જણાવ્યું હતું કે ભક્તોના હસ્તાક્ષરો વડાપ્ર્ધાન સુપરત કરવામાં આવશે. તેમણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના અયપ્પા ભક્તોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. તેમના મતે, સબરીમાલાના રક્ષણ માટે આ એકતા જરૂરી છે. ભાજપના નેતાએ કહ્યું કે સબરીમાલામાં જે બન્યું તે માત્ર સોનાની ચોરી નહોતી પરંતુ મંદિરને નુકસાન પહોંચાડવાના મોટા કાવતરાનો એક ભાગ હતો.
વિજય માલ્યાએ વર્ષ 1998માં સોનાનું દાન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ બ્રુઅરીઝ ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ વિજય માલ્યાએ વર્ષ 1998 માં સન્નિધાન ના કેટલાક મુખ્ય ભાગો, જેમાં શ્રીકોવિલ પ્રવેશદ્વાર, છત અને દ્વારપાલકો પર ગોલ્ડ પ્લેટિંગ માટે સોનાનું દાન કર્યું હતું. ચીફ વિજિલન્સ અને સિક્યુરિટી ઓફિસરના તાજેતરના પ્રશ્નના જવાબમાં યુબી ગ્રુપે સમગ્ર કાર્ય માટે 30.291 કિલો સોનાનો ઉપયોગ કરવાની પુષ્ટિ કરી. આમાંથી, દ્વારપાલકો માટે ક્લેડીંગ માટે 1.564 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સોનાનો ઢોળ ચઢાવવામાં ગેરરીતી આચરવામાં આવી
કેરળ હાઈકોર્ટે સબરીમાલા સોનું ગાયબ થવાના મામલે સુઓ મોટો અરજી દાખલ કરી હતી. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે મૂર્તિઓ પર સોનાનો ઢોળ ચઢાવવામાં ગેરરીતી આચરવામાં આવી હતી. તેમજ તે નાણાનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગે કોર્ટે નોંધ્યું હતું કે ઉન્નીકૃષ્ણન પોટ્ટીએ 2019 માં તેમના લગ્ન માટે બાકી રહેલા સોનાનો ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટે આ મામલે એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે શોધી કાઢ્યું કે નવીનીકરણ પછી પરત કરાયેલી વસ્તુઓનું વજન ફક્ત 38.258 કિલો હતું. આનો અર્થ એ થયો કે 4.541 કિલોગ્રામનો ઘટાડો થયો.
આપણ વાંચો: આઝમ ખાનને બે પાન કાર્ડ રાખવાના કેસમાં કોર્ટે સાત વર્ષની સજા ફટકારી…



