નેશનલ

Atishi Marlena: ‘તાત્કાલિક માફી માંગો નહીં તો….’ ભાજપે આ કારણે AAP નેતા આતિષીને નોટિસ મોકલી

નવી દિલ્હી: ગઈ કાલે મંગળવારે આમ આદમી પાર્ટી(AAP)ના નેતા અને દિલ્હી સરકારના પ્રધાન આતિષી(Atishi Marlena)એ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને ભાજપ(BJP) પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેની પ્રતિક્રિયામાં ભાજપના દિલ્હી યુનિટે(BJP Delhi) આતિષીને માનહાનિની નોટિસ મોકલી છે. આતિશીએ દાવો કર્યો હતો કે તેમણે ભાજપમાં સામેલ થવા ઓફર કરવામાં આવી હતી.

દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા(Virendra Sachdeva)એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, AAPનેતા આતિશીને નોટિસ મોકલવામાં આવી છે, તેઓ જાહેરમાં ભાજપની માફી માંગે. આતિષીનો સંપર્ક કોણે, ક્યારે અને ક્યાં કર્યો તે અંગે તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. દિલ્હીમાં AAP મુશ્કેલીમાં ફસાઈ છે માટે તેઓ આવા પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે, અમે તેમને બચીને જવા નહીં દઈએ.

આતિશીએ મંગળવારે દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી, ED હવે તેના, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢા પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આતિશીએ કહ્યું કે બીજેપી સાથે જોડાયેલ એક વ્યક્તિએ મારો સંપર્ક કર્યો હતો, હું ભાજપમાં નહી જોડાઉં તો મારી ધરપકડ થશે એવી ધમકી આપવામાં આવી છે.

બીજેપી નેતાઓએ આતિશીના દાવાનું સખત શબ્દોમાં ખંડન કર્યું અને કહ્યું કે આતિષીએ એ વ્યક્તિનું નામ જાહેર કરવું જોઈએ. ભાજપે કહ્યું કે પાર્ટી પાસે આતિશી જેવા નેતા માટે કોઈ જગ્યા નથી.

ભાજપે આતિશીને લીગલ નોટિસ પણ મોકલી છે. ભાજપે કહ્યું કે જો આતિષીએ નિર્ધારિત સમયમાં નોટિસનો જવાબ નહીં આપે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આતિશીએ લીગલ નોટિસ પર અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

આતિશીએ કહ્યું હતું કે, “પહેલા તેમણે સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા, સંજય સિંહ અને હવે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરાવી. ભાજપે આગામી 2 મહિનામાં 4 અન્ય AAP નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી છે. મારી, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરવામાં આવશે.”

ભાજપ નેતા વીરેન્દ્ર સચદેવાએ આજે આતિશીને પડકાર ફેંક્યો હતો કે તેઓ તેમના દાવાને સાબિત કરવા માટે તેમનો ફોન તપાસ એજન્સીને સોંપે. દિલ્હી બીજેપીના નેતાએ કહ્યું કે પાર્ટીએ આતિશીને માનહાનિની નોટિસ મોકલી છે અને તેમનું નિવેદન પાછું ખેંચવા કહ્યું છે. ભાજપે આતિશીના દાવાઓને ખોટા, અપમાનજનક અને બનાવટી ગણાવ્યા છે. ભાજપના વકીલે કહ્યું કે, જો તેઓ દાવા સાબિત નહીં કરી શકે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. AAP સાંસદ સંજય સિંહને ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે અને તેઓ આજે મુક્ત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button