ભાજપે પત્તું કાપતા ડો. હર્ષવર્ધને રાજકારણને કર્યા રામ રામઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખી લાંબી પોસ્ટ
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન પાર્ટીને બાય બાય કરવાનો સીલસીલો પણ યથાવત છે. ગૌતમ ગંભીર, અને જયંત સિંહા બાદ હવે પૂર્વ આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ સક્રિય રાજકારણમાંથી નિવૃતિની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે ભાજપે જે ઉમેદવારોની જાહેરાત કરી હતી તેમાં ડો. હર્ષવર્ધનની ટિકિટ કાપવામાં આવી હતી. આજે તેમણે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ લખીને રાજકારણને અલવિદા કરાવાના નિર્ણયની ઘોષણા કરી છે.
ભાજપે પ્રવીણ ખંડેલવાલને આપી ટિકિટ
ભાજપે દિલ્હીની ચાંદની ચોક લોકસભા સીટથી હર્ષવર્ધનનું પત્તું કાપીને પ્રવીણ ખંડેલવાલને ઉમેદવાર બનાવ્યા છે. આ વખતે ભાજપે હર્ષવર્ધનને ટિકિટ ન આપતા તેમણે પાર્ટીથી નાતો તોડવાનો નિર્ણય લીધો છે.
ડો. હર્ષવર્ધને પોસ્ટ લખી
ડો. હર્ષવર્ધને સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ લખી છે. તેમણે લખ્યું કે “ત્રીસ વર્ષથી વધુના શાનદાર રાજકીય કરિયરમાં મે તમામ 5 વિધાનસભા ચૂંટણી અને બે સંસદીય ચૂંટણી જીતી છે. આ તમામ સીટો પર મેં મોટા માર્જિનથી જીત મેળવી હતી અને મેં પાર્ટી સંગઠન ઉપરાંત રાજ્ય અને કેન્દ્રની સરકારોમાં પણ અનેક પ્રતિષ્ઠિત પદો પર કામ કર્યું હતું. હવે મારા મુળ તરફ પાછો વળવાની પરવાનગી માંગુ છું.”
અન્ત્યોદય દર્શનમાં માનું છું: હર્ષવર્ધન
પચાસ વર્ષ પહેલા મે જ્યારે ગરીબો અને જરૂરીયાતવાળા લોકોની મદદની ઈચ્છાથી કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસમાં એડમિશન લીધુ ત્યારે માનવજાતિની સેવા એજ મારૂ આદર્શ વાક્ય હતું. દિલથી સ્વયંસેવક બનીને હું હંમેશા લાઈનમાં ઉભેલા છેલ્લા વ્યક્તિની સેવા કરવાનો પ્રયાસ કરૂ છું.
આ રીતે હું પંડિત દિનદયાળના અંત્યોદય દર્શનમાં માનનારો માણસ છું, તે સમયના આરએસએસ નેતૃત્વના આગ્રહના કારણે હું ચૂંટણી મેદાનમાં આવ્યો હતો. તેઓ મને માત્ર એ રીતે મનાવી શક્યા કારણ કે મારા માટે રાજકારણનો અર્થ આપણા ત્રણ દુશ્મનો ગરીબી, બેકારી, બિમારી અને અજ્ઞાનતા સામે લડવાની તક હતી.
કોવિડ દરમિયાન સેવા કરવાનો મોકો મળ્યો
હર્ષવર્ધને આગળ લખ્યું કે, કોવિડ દરમિયાન મારી એક અદ્ભુત ઇનિંગ ત્યારે રહી જ્યારે હું સામાન્ય માણસની સેવા કરવામાં એક ઝનૂનપૂર્વક વ્યસ્ત રહ્યો. મેં દિલ્હીના આરોગ્ય મંત્રી તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે બે વખત સેવા આપી છે. આ વિષય મારા હૃદયની નજીક છે. મને સૌપ્રથમ ભારતને પોલિયો મુક્ત બનાવવાની દિશામાં કામ કરવાની અને પછી કોવિડ-19 સંક્રમણ દરમિયાન તેની સાથે સંઘર્ષ કરી રહેલા આપણા લાખો દેશવાસીઓના સ્વાસ્થ્યની કાળજી લેવાની દુર્લભ તક મળી હતી.
મેં જવાબદારી ઈમાનદારીથી નિભાવી
માનવજાતના લાંબા ઈતિહાસમાં, માત્ર થોડા જ લોકોને ગંભીર જોખમના કલાકોમાં તેમના લોકોની રક્ષા કરવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે, અને હું ગર્વથી દાવો કરી શકું છું કે હું જવાબદારીમાંથી છટક્યો નહોતો, પરંતું તેનું સ્વાગત કર્યું હતું. માં ભારતી પ્રત્યેની મારી કૃતજ્ઞતા, મારા સાથી નાગરિકો માટે મારું સન્માન અને આપણા બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો માટે મારી શ્રધ્ધા રહી છે. આ સાથે જ ભગવાન શ્રી રામે મને જે સૌથી મોટું સૌભાગ્ય આપ્યું તે સૌભાગ્ય હતું કે હું માનવ જીવનને બચાવવામાં હું સક્ષમ રહી શક્યો.