‘ઓપરેશન લોટસ’: પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, પચીસવાળી પાર્ટી જો…
શિમલાઃ લોકસભાની ચૂંટણી પૂર્વે સત્તાધારી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ I.N.D.I.A. વિપક્ષી ગઠબંધનને એક કરી રહ્યું છે, ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં બંધ બારણે ઓપરેશન લોટસ ચલાવીને ભાજપ પોતાનું કદ વધારી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં દસ બેઠકમાં વિજય મેળવ્યા પછી હવે હિમાચલ પ્રદેશમાં મહારાષ્ટ્રવાળી ચાલી રહી છે, ત્યારે હવે સુખવિંદર સિંહ સુખ્ખુની સરકારની ખુરશી સંકટ ઊભું થયું છે.
પ્રિયંકા ગાંધીએ ભાજપના વિધાનસભ્યો પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે પચીસ વિધાનસભ્યવાળી પાર્ટી જો 43 વિધાનસભ્યોવાળી બહુમતની સરકારને પડકાર ફેંકે છે તો તેનો સીધો અર્થ એ છે કે પ્રતિનિધિઓને ખરીદી કરવા પર નિર્ભર છે.
આ વલણ બિલકુલ અનૈતિક અને ગેરબંધારણીય છે. હિમાચલ પ્રદેશ અને દેશની જનતા બધુ જોઈ રહી છે, જે ભાજપ કુદરતી આફત વખતે હિમાચલ પ્રદેશની જનતા સાથે ઊભી રહી નહીં હવે પ્રદેશને રાજકીય સંકટ ધકેલવા માગે છે, એવું પ્રિયંકાએ જણાવ્યું હતું.
સરકારને બચાવવા માટે કોંગ્રેસે ચક્રો ગતિમાન કરી દીધા છે ત્યારે આજે આ મુદ્દે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. લોકશાહીમાં આમ જનતા પોતાની પસંદની સરકાર ચૂંટવાનો અધિકાર છે.
હિમાચલની જનતાને પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે અને સ્પષ્ટ બહુમતથી કોંગ્રેસની સરકાર બનાવી હતી.
આમ છતાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પૈસાનો ઉપયોગ, એજન્સીની તાકાત અને કેન્દ્રની સત્તાનો દુરુપયોગ કરીને હિમાચલવાસીઓના અધિકાર ભંગ કરવા માગે છે. આ ઉદ્દેશને પાર પાડવા માટે ભાજપ સરકારી સુરક્ષા અને મશીનરીનો ઉપયોગ કરે છે, એવો પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો હતો.
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ પછી કોંગ્રેસ સરકારની મુશ્કેલી વધી ગઈ છે, તેમાંય વળી પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપ્યું હતું, તેનાથી રાજકીય સંકટ ઊભું થયું હતું. પિતાનું અપમાન કરવાનો આરોપ મૂકીને વિક્રમાદિત્ય ભાવુક થઈ ગયા હતા અને સુખ્ખુ સરકાર પર આરોપ મૂક્યો હતો.