ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસા, પોસ્ટરો લગાવવા મુદ્દે થઇ બબાલ

મધ્યપ્રદેશ: હિન્દી હાર્ટલેન્ડમાં ચૂંટણીનો ધમધમાટ સતત યથાવત છે ત્યારે અમુક સ્થળોએ છૂટાછવાયા હિંસક બનાવોના પણ સમાચારો સામે આવી રહ્યા છે. ગ્વાલિયરમાં મતદાન શરૂ થાય એ પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષના ઝંડા-બેનરો તથા પોસ્ટરો લગાવવા મુદ્દે પથ્થરમારો તથા ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં અનેક સ્થાનિકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં મોડીરાત સુધી અશાંતિ છવાયેલી રહી.
ગ્વાલિયર ગ્રામ્ય વિધાનસભાના શંકરપુરમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના બની હતી. ચૂંટણીને પગલે વિસ્તારમાં ઝંડા-બેનરો લગાવવાની બાબતે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સામસામે આવી જતા અનેક લોકોને ઇજા પહોંચી હતી. બંને જૂથના લોકોએ એકબીજા પર લાઠીથી પ્રહારો કર્યા તેમજ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સ્થળ પર એકત્રિત થઇ ગયા હતા.
ગ્રામજનોએ જણાવ્યા મુજબ શંકરપુરમાં રહેતા ભગવતી પ્રસાદ કુશવાહ અને બલ્કેશ ગુર્જર વચ્ચે પહેલો વિવાદ શરૂ થયો હતો. નજીવી બાબતમાં થયેલી માથાકૂટ હિંસામાં ફેરવાઈ ગઇ. એ પછી બંને પક્ષોએ એકબીજાના માણસો પર ધાકધમકી અને મારપીટનો આરોપ લગાવ્યો.
ઘટના બાદ બંને પક્ષો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ FIR નોંધવા માટે અડગ રહ્યા. આ દરમિયાન પોલીસને પણ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા લોકોને રસ્તા પરથી હટાવવા માટે કડક કાર્યવાહી કરવી પડી હતી. બંને પક્ષની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.