જાણો કોણ છે ભાજપના ઉમેદવાર જે વાયનાડથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડશે?
નવી દિલ્હીઃ દેશભરમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. દરેક પક્ષ તેમના ઉમેદવારોની યોદી જાહેર કરવામાં અને રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. ભાજપની વાત કરીએ તો દેશનો આ સૌથી મોટો પક્ષ સતત ત્રીજી વાર સત્તા કબજે કરવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યો છે. દ. ભારતમાં ભાજપની સ્થિતિ નબળી છે, તેથી દક્ષિણ ભારતમાં પાર્ટીએ દરેક બેઠક પર વિચાર કરીને નેતાઓને તક આપી છે. સત્તા કબજે કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બધાની નજર વાયનાડની સીટ પર છે. કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ડી રાજની પત્ની એની રાજા વાયનાડથી ચૂંટણી લડી રહી છે અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2019માં વાયનાડથી સાંસદ બન્યા હતા. આવા દિગ્ગજો સામે ભાજપે પણ કોઇ ધુરંધર નેતાને જ ઉતારવા પડે કારણ કે અહીં કાંટાની ટક્કર છે. તો ભાજપે વાયનાડથી ફાયર બ્રાન્ડ નેતા કે સુરેન્દ્રનને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં કે સુરેન્દ્રન અને રાહુલ વચ્ચે રસપ્રદ મુકાબલાની અપેક્ષા છે. ચાલો જાણીએ કે સુરેન્દ્રન કોણ છે.
ભાજપે વાયનાડથી કે સુરેદ્રનના રૂપમાં મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે. તેઓ ઉત્તર કેરળના પીઢ તેના છે. હિન્દુત્વના તમામ પ્રકારના મુદ્દાઓ પર તેઓ આક્રમક વલણ અપનાવતા હોય છે. 2019 માં તેઓ પથાનમથિટ્ટા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2020માં ભાજપે તેમને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. કે સુરેન્દ્રન રાજ્યમાં ભાજપ માટે બેઠકો મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
કે સુરેન્દ્રનનો વિવાદો સાથે અતૂટ નાતો રહ્યો છે. 2021ની વિધાનસભાની ચૂંટણીમાં, તેમના પર બીએસપી ઉમેદવાર કે સુંદરાને મંજેશ્વરમ બેઠક પરથી ચૂંટણી ન લડવા માટે ધમકાવવાનો અને લાંચ આપવાનો આરોપ હતો. કે સુરેન્દ્રન 2018માં કેરળમાં સબરીમાલા મંદિર આંદોલન દરમિયાન પણ સમાચારમાં હતા. આ દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી હતી અને તેમણે એક મહિનાથી વધુ સમય જેલમાં પણ વિતાવ્યો હતો